લદ્દાખમાં વાયુ સેનાની રાત્રી દરમિયાન પણ બાજનજર
રાત્રીના સુમારે સરહદ વિસ્તારમાં વિમાનો, હેલિકોપ્ટર આકાશને ધમરોળીને પેટ્રોલિંગ કરતા નજરે પડી રહ્યા છે
નવીદિલ્હી, લદ્દાખમાં ચીન સાથે તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના રાત્રીના સુમારે પણ બાજનજર રાખી રહી છે. ચીનની સરહદ નિકટ ફોરવર્ડ એરબેઝ પર ભારતીય વાયુસેનાએ પોતાના મિગ-૨૯ અને સુખોઈ ૩૦ જેવા ફાઈટર એરક્રાફ્ટની સાથે સાથે અપાચે અને ચિનાકુ જેવા રણમેદાનના હેલિકોપ્ટરની સાથે રાત્રીના સુમારે સરહદ વિસ્તારમાં આકાશને ધમરોળીને પેટ્રોલિંગ કરતા નજરે પડી રહ્યા છે. જેની ધણધણાટી સરહદ પાર પણ પહોંચી રહી છે.
દગાખોરીમાં માહિર ચીન કંઈ વધારે અટકચાળુ ન કરે તે માટે જ ભારતીય લશ્કર તમામ સ્તરે તેના પર બાજનજર રાખી રહ્યું છે. એટલું જ નહીં ૧૫મી જૂનની હિંસક ઝપાઝપી બાદથી વાયુસેના હાઈએલર્ટ પર છે. લદ્દાખ મામલે એકતરફ ટેલિફોનિક તેમજ ટેબલ પરની વાતચીતમાં ચીન શાંતિની માળા ફેરવી રહ્યું છે.
તો બીજીબાજુ લદ્દાખ મામલે ચીને હજુય જુઠ્ઠાણાં ફેલાવવાનું યથાવત રાખ્યું છે. તેમ છતાં ચીનની સરકારી ટીવી ચેનલ પર રાÂત્રના સુમારે પ્રસારિત કરેલી નવી સેટેલાઈટ તસવીરોએ ભારતનો દાવો મજબુત કરતી નજરે પડી હતી. આ તસવીરો જ એ વાતને સમર્થન આપે છે કે ચીની સૈનિકોએ જૂનમાં બંને દેશોના જવાનો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીના પહેલાં, મે માસના આરંભમાં ગલવાન ઘાટી વિસ્તારમાં ભારતીય સરહદ પર ભારતીય સૈનિકોની કાયદેસરની કામગીરીઓમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જ વિસ્તારમાં બંને દેશોના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ૨૦ ભારતીય સૈનિકોને જીવ ગુમાવ્યો પડ્યો હતો.