કાંકરીયા રાઈડના સંચાલક વિરૂધ્ધ માનવ વધનો ગુનો દાખલ
ફિટનેશ સર્ટિફિકેટમાં તમામ નટ બોલ્ટ બદલવા ઉપરાંત મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કરાયેલી સુચનાઓની
|
(પ્રતિનિધિ) અમદાવાદ : ગૌરીવ્રતના પવિત્ર તહેવાર નિમિતે શહેરમાં કાંકરિયા સહિતના સ્થળો પર ગઈકાલે રવિવારે ભારે ધસારો જાવા મળ્યો હતો અને આ દરમિયાનમાં જ કાંકરિયા ખાતે રાઈડ તુટી પડવાની ઘટનામાં બે વ્યક્તિઅો જીવ ગુમાવ્યા છે જેમાં મૃતક યુવક અને યુવતિના પરિવારજનો ઘેરાશોકમાં ડુબી ગયા છે યુવકની બહેનો કલ્પાંત કરી રહી છે જયારે તેના માતા-પિતા ખૂબ જ વ્યથિત બની ગયા છે.
આ દુઃખદ ઘટનામાં રાઈડ સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. એક સપ્તાહ પહેલા જ આ રાઈડને ફીટનેશ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું અને આ સર્ટિફિકેટમાં રાઈડની અંદર વ્યાપકપણે ટેકનીકલ ખામી હોવાનો ઘટસ્ફોટ થયો છે એટલું જ નહી પરંતુ રાઈડના નટબોલ બદલવાની પણ સુચના આપવામાં આવી હતી તેમ છતાં સંચાલક ઘનશ્યામ પટેલે ફિટનેશ સર્ટિફીકેટમાં કરાયેલી નોંધની ધરાર અવગણના કરતા આ દુર્ઘટના સર્જાઈ છે.
જેના પરિણામે મણિનગર પોલીસે રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ સહિત કુલ ૬ વ્યક્તિઅો સામે માનવ વધ નો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આજે સવારથી જ ફાયરબ્રિગેડ તથા અન્ય અધિકારીઓ દ્વારા ક્રેઈનની મદદથી રાઈડને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે બીજીબાજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૦ જેટલા યુવક-યુવતીઓમાંથી એક કિશોરની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના પીકનીક સ્થળ તરીકે જાણીતા બનેલા કાંકરિયા લેકમાં અનેક રાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આ રાઈડમાં રોજ સેંકડો લોકો બેસતા હોય છે અને તેનો આનંદ ઉઠાવે છે મ્યુનિ. કોર્પો. સંચાલિત આ સમગ્ર પીકનીક સ્થળમાં સલામતીનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. હાલમાં ગૌરીવ્રત હોવાથી અને ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોવાથી કાંકરિયામાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને તમામ રાઈડો ફુલ હતી આ દરમિયાનમાં એક રાઈડ તૂટી પડી હતી.
જેમાં બે વ્યક્તિઅો મોત નીપજયા છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર શહેરમાં પડયા છે. ઘટનાની જાણ થતાં મ્યુનિ. કમિશ્નર, મેયર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ જવાબદાર તમામ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને આ અંગેની તપાસ કરી અહેવાલ આપવા જણાવ્યું હતું જેના પગલે પોલીસ અધિકારીઓ પણ રાત્રે જ આ બાબતે સક્રિય બન્યા હતા અને સૌ પ્રથમ રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ સહિત બે ઓપરેટર, હેલ્પર, મેનેજર સહિત તમામની સામે ગુનો દાખલ કર્યો છે અને તમામને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.
મોડી રાત્રે રાઈડના ફિટનેશ સર્ટિફિકેટ અંગે વ્યાપક અફવાઓ ફેલાઈ હતી પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે તા.૬ઠ્ઠીના રોજ આ રાઈડનું ફિટનેશ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાઈડ માટે આપવામાં આવેલા ફિટનેશ સર્ટિફિકેટમાં સ્પષ્ટપણે નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રાઈડના તમામ નટબોલ્ટ જાખમી બની ગયા છે આ ઉપરાંત સાંધામાં કરવામાં આવેલા વેલ્ડીંગ પણ જાખમી બની ગયા છે તેથી
તાત્કાલિક રાઈડના તમામ નટબોલ્ટ બદલી નાંખવામાં આવે અને જાઈન્ટમાં વેલ્ડીંગ પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવે.
ફિટનેશ સર્ટિફિકેટ મળ્યાને એક સપ્તાહ થઈ જવા છતાં રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલે આ બાબતે ઘોર બેદરકારી દાખવી હતી જેના પરિણામે આખરે આ દુર્ઘટના સર્જાઈ છે. ફિટનેસ સર્ટિફિકેટમાં આ બાબતે અનેક મુદ્દાઓ ઉપર ગંભીર ટિપ્પણી કરવામાં આવી છે. પરંતુ ફિટનેસ સર્ટિફિકેટમાં આપવામાં આવેલી તમામ સુચનાઓનો અનાદર કરાતા હવે રાઈડના સંચાલકો ઘેરાયા છે.
કોની સામે ગુનો દાખલ થયો |
કાંકરિયાના આસીસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલે મોડી રાત્રે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં રાઈડના ડાયરેકટર ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ, મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી અને હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૪ અને ૧૧૪ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. |
દુર્ઘટના બાદ સ્થળ પર પહોચી ગયેલા મેયર, મ્યુનિ. કમિશ્નર તથા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક આ અંગે ઉચ્ચકક્ષાની તપાસનો આદેશ આપી દીધો છે અને એફએસએલ અને ફાયરબ્રિગેડના અધિકારીઓને આ અંગેની સંપૂર્ણ તપાસ કરી અહેવાલ આપવા જણાવાયું છે આદેશના પગલે આજે સવારે ક્રેઈન મારફતે તૂટી ગયેલી આ રાઈડને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે જેના પરિણામે ટુંક સમયમાં આનો વિસ્તૃત અહેવાલ સુપ્રત કરવામાં આવશે.
પ્રાથમિક તપાસમાં જ રાઈડના સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે બીજીબાજુ ગૃહમંત્રીના આદેશથી પોલીસ અધિકારીઓએ રાઈડના સંચાલકો સહિત છ વ્યક્તિઅો સામે માનવ વધ, બેદરકારી સહિતની બાબતોની કલમો લગાડી ગુનો દાખલ કરી દીધો છે અને તમામની અટકાયત કરી લેવામાં આવી છે.