Western Times News

Gujarati News

સાસરિયાએ મહિલાને દહેજ માટે ઉપલા માળેથી નીચે ફેંકી દીધી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો ઘરેલું હિંસાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ દહેજની માંગણીને લઈને અનેક ફરિયાદો થઈ રહી છે. ત્યારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે કે, વર્ષ ૨૦૧૦માં તેના લગ્નના ત્રણ મહિના બાદ તેના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. આ બાબતની જાણ મહિલાએ તેના માતા-પિતા સિવાય કોઈને કરી ન હતી. મહિલાને તેના લગ્નજીવનમાં દીકરાનો જન્મ થયો હતો. ત્યારબાદ ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે મહિલાએ તેના પતિના મોબાઈલમાં મેસેજથી પતિનું અન્ય એક યુવતી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ફરિયાદી મહિલાએ આ બાબતની જાણ એના સાસુ- સસરાને કરી હતી. તેને લઈને મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કયોર્ હતો. અને કહ્યું હતું કે તારા માતા-પિતાએ દહેજમાં કશું આપ્યું નથી. તારા માતા-પિતાને ત્યાંથી દહેજમાં રૂપિયા પાંચ લાખ લઈ આવ તો જ તને સારી રીતે રાખીશું. નહિતર ઘરમાંથી કાઢી મૂકીશું.

ત્યારબાદ ૮ મી જુલાઈના દિવસે આ મહિલા તેની બહેન સાથે વાત કરી રહી હતી ત્યારે તેના સસરા અને પતિ ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તારે કોઈની સાથે સબંધ રાખવાનો નહિ અને પિયર જવાનું નહીં. આમ કહીને સાસુ, સસરા અને પતિએ તેને માર મારીને તેને ઉપલા માળેથી નીચે ફેંકી દીધી હતી.

જેથી મહિલાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.