અરવલ્લીના ૬૪ ગામો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
મોડાસા શહેરના ૨૪ અને બાયડના ૨ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા ૨૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેને લઇ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ જે વિસ્તારોમાં કોરોનાના પ્રભાવ ઓછો થયો છે તેવા જિલ્લાના ૬૪ ગામો અને ૨૬ શહેરી વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જિલ્લામાં ૧૮૦થી વધુ નિયંત્રિત વિસ્તાર નક્કી કર્યા હતા, આવા વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો આવ્યા હતા. આ વિસ્તારોમાં ૨૮ દિવસ સુધી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલીવરી થાય તેના પર ખાસ ભાર મુકાયો છે.
જેમાં જિલ્લાના કોરોના પ્રભાવ ઓછો છે તેવા બાયડ તાલુકાના ૭, ભિલોડાના ૧૪,ધનસુરાના ૧૨, મેઘરજના ૯, માલપુરના ૨ અને મોડાસાના ૨૦ મળી કુલ ૬૪ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જયારે બાયડ શહેરના ૨ અને મોડાસા શહેરના ૨૪ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર મુકવામાં આવ્યા છે.