MBA વિદ્યાર્થીએ માસ્કનો ઓર્ડર કર્યો, ઠગ ટોળકીએ ૬૦ હજાર ખંખેરી લીધા
અમદાવાદ: ઠગાબાજાેએ કોરોનાનો ગેરફાયદો ઉઠાવી અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરીથી લોકો માસ્ક વેચવા અલગ અલગ ઓફર મુજબ ઓર્ડર કરતા અનેક લોકો સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી જ એક ફરિયાદ અમદાવાદનાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ઠગ ટોળકીએ ૬૦ હજાર રૂપિયાની છેતરપિંડી આચરતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.
કાલુપુરમાં રહેતા ધ્રુમલભાઈ ચુડાસમા ઇન્દોર ખાતે આઈ.આઈ.એમમાં એમબીએનો અભ્યાસ કરે છે. ગત એપ્રિલ માસમાં તેઓએ એક વેબસાઈટ પર ૧૩ હજાર માસ્ક ખરીદવા એપ્લાય કર્યું હતું. બાદમાં તેઓને મંજિતસિંઘ નામના વ્યક્તિનો એક કંપનીના નામે ફોન આવ્યો હતો. આ મંજિતસિંઘે જણાવ્યું કે, તેઓને આ ઓર્ડર મળ્યો છે અને તેઓ કાલે સવારે ૧૩ હજાર માસ્ક ડિલિવર કરશે. એક માસ્કના ૨૩૦ લેખે ૨૯.૯૦ લાખ રૂપિયાનું બિલ બનાવ્યું હતું.
બાદમાં દિલ્હીના કોઈ વ્યક્તિનો નંબર આપી આ મનજીતસિંઘે એડવાન્સ પેમેન્ટ પેટે ૧.૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા. જેથી ધ્રુમલભાઈએ ટુકડે ટુકડે ૬૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ મનજીતસિંઘનો સંપર્ક કરતા તેઓનો ફોન બંધ આવતો હતો. જેથી જે કંપનીનું નામ આપ્યું હતું ત્યાં સંપર્ક કરતા તેઓને જાણવા મળ્યું કે, આવી કોઈ વ્યક્તિ ત્યાં કામ કરતી નથી. આ નામથી અનેક લોકો સાથે ઠગાઈ થઈ છે. જેથી ધ્રુમલભાઈએ સાયબર ક્રાઈમનો સંપર્ક સાધી ત્યાં અરજી આપી હતી. અરજીના આધારે કાલુપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આવા ઠગને પકડવા તપાસ હાથ ધરી છે.