અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનવાની દહેશત
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે અને બીજીબાજુ રાજય સરકાર અનલોક જાહેર કરી વધુ છુટછાટો આપી રહી છે જેના પરિણામે પરિસ્થિતિ વધુ કપરી બની રહી છે આ પરિસ્થિતિમાં સુરત શહેરમાં અનલોક દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન નહી થતાં આજે સુરતમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે જેની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે
રાજયમાં ફરી એક વખત પાનના ગલ્લા, ચાની કિટલીઓ જેવા સ્થળો ધમધમતા થતાં જ કોરોના વકરવા લાગ્યો છે આવશ્યક ચીજવસ્તુઓની સાથે સાથે અન્ય ચીજવસ્તુઓના વેચાણની છુટ આપવાના પરિણામે ગુજરાતમાં આગામી દિવસોમાં વધુ પરિસ્થિતિ ખરાબ બને તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. રાજયના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં પણ ઠેરઠેર આવા દ્રશ્ય જાેવા મળી રહયા છે
જેના પરિણામે વહેપારીઓ અને નાગરિકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે ખાસ કરીને શાકભાજીના બજારો તથા જાહેર સ્થળો પર સોશ્યલ ડીસ્ટન્સ નહી જળવાતા અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ બેકાબૂ બનવાનું નિર્માણ થઈ રહયું છે. કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરાયા બાદ અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા અને મ્યુનિ. કોર્પો. દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવી રહયા હતા પરંતુ ત્યારબાદ ટેસ્ટીંગની કામગીરીમાં ઘટાડો કરવામાં આવતા અમદાવાદ શહેરમાં કેસોની સંખ્યા પણ ઘટવા લાગી છે
આ દરમિયાન સુરત શહેરમાં વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ તંત્ર સજાગ બન્યુ છે પરંતુ જાહેર સ્થળો પર ભીડ જાેવા મળી રહી છે અમદાવાદ શહેરના શાકભાજી સહિતના માર્કેટોમાં સોશિયલ ડીસ્ટન્સ નહી જાળવીને માસ્ક વગર ફરતા નાગરિકો જાેવા મળી રહયા છે.
ઇસનપુર વિસ્તારમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો થયો હતો. બે દિવસ પહેલાં જ ઇસનપુરમાં આવેલી પ્રેરણા સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જેને કારણે ૬૪ ઘરને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા.
જ્યારે આ પહેલાં ગોવિંદવાડી વિસ્તારની સૌજન્ય સોસાયટીમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વોર્ડના ઘનશ્યામનગરમાં પણ એક જ પરિવારના ચાર સભ્યને ચેપ લાગ્યો હતો.
તાજેતરમાં ઇસનપુર અર્બન હેલ્થ સેન્ટરના બે કર્મચારીને કોરોના થયો હતો. ઇસનપુરની ઘણી સોસાયટીઓમાં કોરોનાના કેસો હોવા છતાં વિસ્તારના શાકમાર્કેટનું આ દૃશ્ય ભયજનક છે. તસવીરમાં માસ્ક વિના દેખાતા લોકો પર રેડ સર્કલ કરવામાં આવ્યું છે.