અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ ૩૭ ટકાનો ઘટાડો
અમદાવાદ: રવિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૮૭૯ કેસ નોંધાતા કુલ આંકડો ૪૧૯૦૬ પર પહોંચ્યો છે. નવા કેસોમાં સુરતના સૌથી વધુ ૨૫૧ કેસ, અમદાવાદના ૧૭૨, વડોદરાના ૭૫ અને ભાવનગરના ૪૬ કેસોનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
એક વિશ્લેષણ મુજબ, અમદાવાદ જિલ્લામાં દૈનિક મૃત્યુમાં સરેરાશ ૬૭% અને દૈનિક કેસોમાં સરેરાશ ૩૭% ઘટાડો થયો છે. જૂન મહિનામાં અમદાવાદ જિલ્લામાં દરરોજ સરેરાશ ૨૦ મૃત્યુ અને ૨૯૧ કેસ નોંધાયા હતા. તેની તુલનામાં જુલાઈના પ્રથમ ૧૨ દિવસમાં જિલ્લામાં સરેરાશ મૃત્યુ અને કેસો અનુક્રમે ૧૮૨ અને ૬ પર આવી ગયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૧૩ લોકોના મોત સાથે જ મૃત્યુઆંક ૨૦૪૭ પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશન ૩, જુનાગઢ અને સુરતમાં ૨-૨, ખેડા અને રાજકોટ કોર્પોરેશનમાં ૧-૧ એમ કુલ ૧૩ લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલમાં ૧૦,૬૬૧ (૨૫.૪%) એક્ટિવ કેસ છે. જ્યારે ૬૯.૭ ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમજ ૪.૯ ટકા દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૧૩ દર્દીઓ સ્વસ્થ થયાં હતાં. જેથી હવે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને હરાવીને કુલ ૨૯૧૮૯ વ્યક્તિઓ સ્વસ્થ થયાં છે. રવિવારે સુરતમાંથી ૧૩૮, અમદાવાદમાંથી ૧૩૩, જૂનાગઢમાંથી ૫૩ અને બનાસકાંઠામાંથી ૩૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૪,૬૪,૬૪૬ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
નવા દર્દીઓની ઓળખ માટે ગુજરાતે ૨૪ કલાકમાં ૭,૫૮૦ ટેસ્ટ કરતા કુલ પરીક્ષણોની સંખ્યા ૪.૬૪ લાખ પર પહોંચી છે. રવિવારની સાંજ સુધીમાં રાજ્યમાં ૩,૨૫ લાખ લોકો ક્વોરેન્ટાઈન હેઠળ છે. જેમાં હોમ ક્વોરેન્ટાઈનમાં ૩.૨૨ લાખનો સમાવેશ થાય છે.