લોકડાઉનમાં નોકરી ગુમાવતા દીકરાએ આપઘાત કર્યો, આઘાતમાં પિતાએ પણ જીવન ટૂંકાવ્યું
અમદાવાદ: લોકડાઉન દરમિયાન આર્થિક તંગી એક જ પરિવારના બે સભ્યોના આપઘાતનું કારણ બની. જેમાં બેરોજગાર યુવકે શુક્રવારે આપઘાત કર્યા બાદ જુવાનજાેેત દીકરાના નિધનનું દુઃખ સહન ન કરી શકતા શનિવારે તેના પિતાએ પણ એસિડ પીને જીવન ટૂંકાવી લીધું.
પોલીસે જણાવ્યું કે, રાજવીરસિંહ ગોહિલ નામના યુવકે શુક્રવારે બપોરે થલતેજના નાનો બારોટવાસ વિસ્તારમાં આવેલા પોતાના મકાનમાં છત સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. દીકરાના નિધનથી શોકમાં ડૂબેલા મહિપતસિંહ ગોહિલે પણ ગોતાના ચામુંડાનગર ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને શનિવારે બપોરે આપઘાત કરી લીધો.
સોલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.પી જાડેજાએ કહ્યું કે, રાજવીરસિંહ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને લોકડાઉન લાગુ થવાના કારણે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયે તેની નોકરી જતી રહી. લોકડાઉનના કારણે રાજવીરસિંહ જીવન નિર્વાહ માટે સાડ ત્રણ મહિના સુધી કોઈ નવી નોકરી કે રોજગાર ન શોધી શક્યો. આ કારણે ડિપ્રેશનમાં સરી પડતા ઘરમાં એકલો હતો ત્યારે તેણે છતના હુક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો.
મૃતકના પરિવારના સદસ્યો શોકમાં હોવાના કારણે પોલીસ તેમનું સ્ટેટમેન્ટ નહોતી લઈ શકી. બીજા દિવસે ૧૧ જુલાઈએ રાજવીરસિંહના પિતા દીકરાના નિધનની વાત સહન ન કરી શક્યા અને બાથરૂમ તરફ દોડીને ૧.૫૦ વાગ્યે એસિડ પી લીધું. જાડેજાએ કહ્યું, પરિવારના સભ્યો તેમને રોકે તે પહેલા જ તેમણે આપઘાતના પ્રયાસમાં એસિડ પી લીધું હતું. તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું.