વિરાટ માટે મહત્વની છે ઑસ્ટ્રેલિયા ટ્રીપ, ટીમ ઇન્ડિયા તૈયાર રહે : ગાંગુલી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બાૅર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષના અંતે થનારી ક્રિકેટ સીરિઝ કૅપ્ટન વિરાટ કોહલીના કરિઅરને નવી દિશા આપનારી રહેશે. ગાંગુલીએ કહ્યું કે, ‘મને નથી ખબર કે ડિસેમ્બર સુધી હું અધ્યક્ષ પદે રહીશ કે નહીં, પણ કૅપ્ટનું આ કાર્યકાળ માપદંડ રહેશે.’
સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ‘ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આ સીરિઝ એક માઈલસ્ટોન રહેશે.’ ગાંગુલીએ કહ્યું, ‘હું કોહલીના સંપર્કમાં છું, હું કોહલીને કહું છું કે તમારે ફિટ રહેવાનું છે. તમે છ મહિનાથી ક્રિકેટ નથી રમ્યા. તમારે નક્કી કરવાનું છે કે તમે સર્વશ્રેષ્ઠ બાૅલરનો સામનો કરવા માટે તૈયાર રહો અને ફિટ રહો.’
ગાંગુલીએ વધુમાં કહ્યું કે, ‘પછી તે મોહમ્મદ શમી હોય કે જસપ્રીત બુમરાહ કે ઇશાંત શર્મા કે પછી હાર્દિક પંડ્યા જ્યારે તે ઑસ્ટ્રેલિયા પહોંચે તો પોતાની ટોપ મેચ ફિટનેસ પર હોવા જાેઇએ.’
પૂર્વ ભારતીય કૅપ્ટને આ મહામારી દરમિયાન બાૅર્ડના સંચાલનમાં આવતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો કે, ‘આ અવાસ્તવિક છે. ચાર મહિનાથી અમે મુંબઈમાં પોતાની ઑફિસ નથી ગયા. બીસીસીઆઇ અઘ્યક્ષ તરીકે મારો સાતમો કે આઠમો મહિનો છે જેમાં ચાર મહિના કોરોના વાયરસને કારણે ગયા.’
ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાળમાં વિસ્તાર માટે બીસીસીઆઇની ઉચ્ચતમ ન્યાયાલયમાં નોંધાયેલી યાચિકા પર ગાંગુલીએ કહ્યું કે, ‘મને નથી ખબર કે અમને વિસ્તાર મળશે કે નહીં. જાે ન મળે, તો અમે પદ પર નહીં રહીએ, હું કંઈક બીજું કરીશ.’
પદાધિકારીઓના કાર્યકાળને સીમિત કરનારા લોઢા સમિતિના પ્રશાસનિક સુધારાઓ પ્રમાણએ ગાંગુલી અને શાહનો કાર્યકાળ આ મહિને પુરો થઈ રહ્યો છે. સૌરવ ગાંગુલીને ઑક્ટોબર ૨૦૧૯માં નવ મહિના માટે બીસીસીઆઇના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે ૩૧ જુલાઈના ગાંગુલીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ત્યાર બાદ તે ‘કૂલિંગ ઑફ પીરિયડ’ પર જશે.