સુરતની મહિલા કોન્સ્ટેબલ સિંઘમ સિન્ડ્રોમથી બેફામ
સોશિયલ મીડીયામાં તેને ખૂબ જ સમર્થન મળ્યું છે, જેથી સુનિતા યાદવે હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે
સુરત, ગુજરાતનાં આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર અને પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી વિવાદોમાં આવેલી સુરત પોલીસની લોકરક્ષક સુનિતા યાદવે મીડિયા સાથે પણ જીભાજાેડી કરી દાદાગીરી કરી હતી. સોશિયલ મીડીયામાં તેને ખૂબ સમર્થન મળ્યું છે, જેથી સુનિતાએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ટિ્વટર પર આજે સવારે તેને કેટલાંક ટિ્વટ કર્યાં છે, જેમાં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપવા સાથે પોલીસ અને રાજનેતાઓને ટાર્ગેટ કર્યા હતાં.
સુનિતાએ પોતાનાં ટિ્વટર એકાઉન્ટ પર આ ટિ્વટ કર્યા હતાં. છેલ્લાં બે દિવસથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી સુરત પોલીસની લોકરક્ષક સુનિતા યાદવે મીડિયાકર્મીઓ પર પોતાનો ગુસ્સો ઉતાર્યા બાદ હવે સોશિયલ મીડિયામાં નિવેદનો આપવાના શરૂ કર્યા છે. મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર સાથે થયેલી માથાકૂટ બાદ સતત સુનિતા વિવાદમાં આવી છે. પોલીસ અધિકારીઓ હોય કે મીડિયા બન્ને પર સુનિતા ભડકી રહી છે, રવિવારે સાંજે જે રીતે મીડિયાની જરૂર નથી તેવી આડકતરી વાત કહેનારી સુનિતા હવે સોશિયલ મીડિયામાં પોતાની વાતો કહેવા લાગી છે. ટિ્વટર પર તેને કેટલાક ટિ્વટ કર્યા છે.
હિન્દીમાં કરેલા ટિ્વટ પૈકી એક ટિ્વટમાં સુનિતાએ લખ્યું છે કે, “ઘટના પછી મને મારા સિનિયરો દ્વારા રજા પર ઘરે મોકલવામાં આવી છે, મે જ્યારે રાજીનામું આપ્યું તો તે પણ નામંજૂર કરી દેવામાં આવ્યું. હવે મારું આ સ્થળેથી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. ટ્રાન્સફર થવું એટલે અપમાન થવું અને મંત્રીનાં પુત્રનું મનનું થવું જે મને ક્યારેય મંજુર નથી.” વધુ એક ટિ્વટમાં તેને લખ્યું છે કે, “નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમનાં કેટલાંક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કેમ કે તેમને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધુ ગમે છે. આ જ ભ્રષ્ટ અને કમજાેર સિસ્ટમનાં કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી રહ્યાં છે પરંતુ અમે ઝૂકવાવાળા નથી.” અન્ય એક ટિ્વટમાં સુનિતા લખે છે કે, “હું સરકારની નોકરી કરું છું કોઈનાં બાપની નહીં.
એ બીજા જ લોકો હશે કે જે નેતાઓ અને મંત્રીઓની ગુલામી કરતા હશે. અમે સ્વાભિમાન સાથે સમાધાન કરી નોકરી નથી કરી. વર્દી માટે ભારત માતાનાં શપથ લીધા છે. હું માફી માંગીશ કઈ બાબતે ? કયારેય નહીં.” વધુ એક ટિ્વટમાં લખ્યું છે કે, “બેટી બચાઓ, બેટી પઢાઓ” એવું કહેનારા નેતાઓ માટે આ ઘસાયેલી લાઈન છે, જેનો ઉપયોગ તે વોટ મેળવવા માટે કરે છે. જાે તેઓ આને માનતા હોત તો મારી સાથે ઊભા હોત. એ મંત્રીનાં દિકરા સાથે નહીં કે જેને મને કાયદાની ધમકી આપી હતી. હું ધમકીથી નથી ડરી અને કોઈની સામે ઝૂકી નથી ને ઝુકવાની પણ નથી.”
પોલીસ વિભાગમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સુનિતા યાદવની કામગીરીને એક તબક્કે યોગ્ય ઠેરવી શકાય પરંતુ જે રીતે તેને વીડિયો કાપકૂપ કરીને વાઈરલ કર્યા છે, તેને કારણે પોલીસની ઈમેજને જરૂરથી નુકસાન થયું છે, ખાસ કરીને સુનિતાનાં અપશબ્દો બોલતા ઓડિયોએ અનેક સવાલ ઊભા કર્યા છે. બીજી એક વાત એવી પણ ચાલી રહી છે કે મંત્રી કુમાર કાનાણીનાં દીકરા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે, જેથી તેનો મામલાનો અંત આવી ગયો છે પરંતુ પોલીસ વિભાગની છબી બગાડવાનાં મુદ્દે સુનિતા સામે કાર્યવાહી થઈ શકે છે, જેનાથી બચવા સુનિતા આ પ્રકારની હરકત કરી રહી છે. એક વાત એવી પણ સામે આવી છે કે રાજીનામું આપી સુનિતા પોતે શહાદત વહોરી હોય તેવું બતાવવા માંગે છે અથવા તો તેને સસ્પેન્ડ કરવામાં આવે તો લોકોની સહાનુભૂતિ મેળવવા માંગે છે.