જોગવેલ ગામની બહેનોને સીવણકામના નિઃશુલ્ક તાલીમ વર્ગો દ્વારા સ્વરોજગારી મેળવવાની તક મળી
વલસાડ, રાજ્ય સરકારના આદિજાતિ વિભાગની પ્રયોજના વહીવટદાર કચેરીના ન્યુ ગુજરાત પેટર્ન, બોર્ડર વિલેજ યોજના હેઠળ સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિવિધ તાલીમવર્ગો ચલાવવામાં આવે છે. જેનો લાભ મેળવી નાલંદા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ ખાતે બહેનો માટે મફત સીવણકામના તાલીમ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. આ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ ધરાવતી બહેનો લઇ શકે છે.
સંસ્થાના ફિલ્ડવર્કર હરેશભાઇ ગાયકવાડ જણાવે છે કે, ટ્રસ્ટ દ્વારા પ્રાયોજના કચેરીના સહયોગથી વર્ષ ૨૦૧૭-૧૮માં આપેલ તાલીમ વર્ગમાં ૩૦ બહેનોએ લાભ મેળવ્યો હતો. બે મહિના સુધી ચાલતા કોર્ષમાં નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૯ બહેનો પ્રવેશ મેળવી તાલીમ મેળવી રહી છે. તાલીમ દરમિયાન સીવણ ટીચર તરીકે પુષ્પાબેન પટેલ સીલાઇ મશીન ચલાવવું, સીધી સીલાઇ, વાંકી સીલાઇ, બેગ, ઝબલા, ડ્રેસ, બ્લાઉઝ વગેરે સીવતા શીખવી રહ્યા છે.
કોર્ષ પુરો થયા બાદ ટ્રસ્ટ દ્વારા સર્ટિફીકેટ આપવામાં આવે છે. સ્વરોજગાર મેળવવા ઇચ્છતી બહેનોને સીલાઇ મશીન ખરીદવાનો ખર્ચ કાઢવો ન પડે તે માટે રાજય સરકાર તરફથી ૭ હજાર રૂપિયાનું સીલાઇ મશીન અને સીવણ કીટ નિઃશુલ્ક ધોરણે આપવામાં આવે છે.
આ તાલીમની મદદથી અનેક બહેનોએ વાપી-દમણ-સેલવાસમાં ચાલતી કંપનીઓમાં દરજી તરીકે નોકરી મેળવી છે. કેટલીક બહેનો પોતાના ઘરે જ સીવણકામ શરૂ કરી પરિવારને મદદરૂપ થઇ રહી છે. આ રીતે સરકાર મફત સીવણ તાલીમ વર્ગો દ્વારા બહેનોને સ્વરોજગારી મેળવી પગભર થવાની તક ઊભી કરી રહી છે. કંપનીમાં નોકરી કરનારી બહેનો મહિને ૧૦ થી ૧૫ હજાર અને ઘરે સીવણકામ કરનારી બહેનો ૭ થી ૮ હજાર આવક મેળવી રહી છે.
પ્રયોજના વહીવટદાર કચેરી અને તાલુકા પંચાયતની કચેરી દ્વારા અંતરિયાળ વિસ્તારના આદિજાતિ બહેનોને સ્વરોજગારી મળી રહે તે માટે આ પ્રકારના તાલીમ વર્ગો દર વર્ષે શરૂ કરવામાં આવે છે. જેનો અનેક બહેનો લાભ લઇ પગભર બની છે. સંકલનઃ વૈશાલી જે. પરમાર, માહિતી મદદનીશ, વલસાડ