કોઇએ યુવતીનું ટીન્ડર પર બનાવી દીધું એકાઉન્ટ, અને અભદ્ર મેસેજ તેમજ આવ્યા કોલ્સ
અમદાવાદ: શહેરના ઈસનપુરમાં રહેતી અને એજ્યુકેશન વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને અલગ અલગ નંબરો પરથી વોટ્સએપ મેસેજ આવવા લાગતા તે ડઘાઈ ગઈ અને આખરે પોલીસની મદદ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવતીને મેસેજ કરનારાઓ ટીન્ડર એપ્લિકેશન પરથી નંબર મેળવીને મેસેજ કરતા હોવાનું સામે આવ્યું છે. જાેકે યુવતી ટીન્ડર એપ્લિકેશનમાં એકાઉન્ટ ન ધરાવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાત ગવર્મેન્ટના એજ્યુકેશન વિભાગમાં ફરજ બજાવતી યુવતી ઈસનપુરમાં રહે છે. ગત ૮ જુલાઈના રોજ આ યુવતી તેની નવરંગપુરા ખાતેની ઓફિસે હાજર હતી. ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવકે જણાવ્યું કે, પોતે જાેશીલ પંચાલ બોલે છે અને નંબર ટીન્ડર પરથી મળ્યો છે. ત્યારે આ યુવતીએ જણાવ્યું કે, તે ટીન્ડર એપ્લિકેશન વાપરતી નથી અને તેણે તેનો નંબર પણ ક્યાંય શેર કર્યો નથી. ફરી સાંજે અજાણ્યા અન્ય નંબર પરથી આ યુવતીને વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજમાં હાઈ રિતેશ હીયર, ગુડ મોર્નિંગ ફ્રોમ ટીન્ડર. જેથી યુવતીએ મેસેજ કર્યો કે મને કોઈ હેરાન કરે છે અને તમે તેનો ભાગ બની રહ્યા છો.
આવો જ એક ફોન સાંજે સાણંદથી એક યુવકનો આવ્યો હતો. જેમાં યુવતીએ ફરીથી કહ્યું કે, આવું કોઈ એકાઉન્ટ તે વાપરતી નથી. અને આ યુવક પાસે ટીન્ડરના એકાઉન્ટના સ્ક્રીન શોટ મંગાવ્યા હતા. જેમાં યુવતીનો ફોટો હતો અને તેમાં નામ શશી લખેલુ હતું. જેથી પોતાની માહિતી અને ડેટા લીક થયા બાદ કોઈએ તેનો મિસયુઝ કર્યો હોવાનું જાણતા યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઈસનપુર પોલીસ સમક્ષ આ પુરાવા મૂકી યુવતીએ અજાણ્યા લોકો સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.