બ્રાન્ડેડના નામે નકલી માલ વેચતી બે દુકાનોમાંથી ૨.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાલુપુરમાં ફરી પોલીસ કાર્યવાહી : અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો
અમદાવાદ: હજુ ગણતરીનાં દિવસો અગાઉ જ શહેરનાં મોટાં બજાર ગણાતાં કાલુપુર માર્કેટમાં પોલીસે સર્ચ ઓપરેશન કરીને મોટાં પ્રમાણમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતાં માસ્ક, ટોપી, મોજા સહીતનો નકલી માલનો જથ્થો ઝડપી લીધો હતો તથા આ સંદર્ભે ઘણાં વેપારીઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઘટના હજુ તાજી જ છે ત્યાં સોમવારે ફરી એક વખત કાલુપુર પોલીસે સપાટો બોલાવતાં રૂપિયા બે લાખ સિત્તેર હજારથી વધુનો મોટી કંપનીના નામે વેચાતો સાઈકલ સહિત અન્ય વસ્તુઓનો જથ્થો ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે કાલુપુર બજાર અમદાવાદનું મોટું માર્કેટ છે. જ્યાં લગભગ તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે છે. અહીં મોટું માર્કેટ હોવાને કારણે કેટલાંક વેપારીઓ બ્રાન્ડેડ કંપનીઓનાં નામે નકલી માલ પણ લોકોને વેચે છે. જે અંગે થોડાં દિવસ અગાઉ જ કાલુપુર પોલીસે કાલુપુરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આવી જ કાર્યવાહી સોમવારે ફરી એક વખત કરી હતી. જે દરમિયાન કાલુપુર ટંકશાળની પોળમાં આવેલી આશાપુરા ટ્રેડીંગ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ડિઝની તથા મારવેલ કેરેટકટરના નામે ડુપ્લીકેટ રમકડા મળી આવ્યા હતાં. પોલીસે રૂપિયા બે લાખથી વધુની કિંમતનાં ૩૧ પ્રકારનાં રમકડાનો જથ્થો જપ્ત કરીને પોલીસે દુકાન માલિક સુશીલ સોલંકી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સાંજે પાંચે વાગ્યાનાં સુમારે ટંકશાળ રોડ પર જ આવેલી હાજા પટેલની પોળમાં આવેલી વિનાયક સ્ટેશનરી નામની દુકાનમાં પણ આવી કાર્યવાહી કરતાં પોલીસે એ જ બ્રાન્ડેડ કંપનીઓનાં નામે ડુપ્લીકેટ કપાસ, સ્કુલ બેગ જેવી વસ્તુઓ વેચતાં બળદેવભાઈ દેવાસી વિરૂદ્ધ ફરીયાદ નોંધી હતી. આ દુકાનમાંથી પણ રૂપિયા ૭૦ હજાર જેટલો કિંમતનો જથ્થો જપ્ત કર્યાે હતો. કાલુપુર વિસ્તારમાં ગણતરીના દિવસોમાં આટલી મોટી કાર્યવાહી કરતાં આવી જ ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં અન્ય વેપારીઓ પણ ફફડી ઉઠ્યા છે.