સુરતમાં ટોસીલીઝુમાબ ઇન્જેકશનના કાળા બજાર કરનાર દુકાનના માલિકની ધરપકડ
સુરત: કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ ઇન્જેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં વેસુની મે. સાર્થક ફાર્માને એક વાયલના રૂા. ૫૦,૦૦૦ના ભાવ મુજબ ૩ વાયલ વેચાણ કરનાર અડાજણના મે. ન્યૂ શાંતિ મેડિસીનના માલિકની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં સાર્થક ફાર્માસંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને કારણે ઉંમર પોલીસે તપાસ તેજ કરી છે.
સુરતના ફુડ એન્ડ ડ્રગ વિભાગે કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ નામના ઇન્જેકશનની એમઆરપી રૂા. ૪૦,૫૪૫ હોવા છતા ઉંચા ભાવે વેચાણ કરી કાળાબજાર થતા હોવાનૌ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વેસુની મે. સાર્થક ફાર્માએ છૂટક વેચાણનો પરવાનો નહિ હોવા છતાં રૂા. ૪૦,૫૪૫ ની એમઆરપીના ટોસીલીઝુમાબ ઇન્જેકશન રૂા. ૫૭,૦૦૦માં બિલ વગર વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા. સાર્થક ફાર્માના માલિક ઉમા સાકેત કેજરીવાલએ ઇન્જેકશન પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી ૧૦માં ન્યૂ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના રૂા. ૫૦,૦૦૦ ના ભાવે ૩ વાયલના રોકડા ચુકવી ખરીદયા હતા.