હવે સુરત શહેરના શિક્ષકો ચેકપોસ્ટ પર ફરજ બજાવશે
ઓલપાડના ૧૮ અને માંગરોળ તાલુકાના ૨૪ શિક્ષકોને ચેકપોસ્ટ પર ફરજ બજાવવાનો આદેશ આપવામાં આવ્યો
સુરત, રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આ જીવલેણ વાઈરસનું સંક્રમણ ફેલાતુંુ અટકાવવા માટે વહીવટી તંત્ર પણ શક્ય એટલા તમામ પગલા ઉઠાવી રહ્યું છે. જે અંતર્ગત હવે શિક્ષકોને કોરોના સામે જંગ માટે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત જિલ્લા પ્રાથિમિક શિક્ષણાધિકારી તરફથી શિક્ષકોને ચેક પોસ્ટમાં તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ ઓલપાડ તાલુકાના ૧૮ અને માંગરોળ તાલુકાના ૨૪ શિક્ષકોને ચેકપોસ્ટ પર ફરજ બજાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ઓલપાડની ચેક પોસ્ટ પર ૩ અને માંગરોળ ચેકપોસ્ટ પર ૪ શિક્ષકો દિવસની ૩ શિફ્ટમાં ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સુરતમાં સરકારની વિવિધ યોજનાઓની કામગીરી કરી રહેલા શિક્ષકો ઉપર નવી જવાબદારી નાંખવામાં આવતા કેટલાક શિક્ષકોમાં નારાજગી જાેવા મળી રહી છે.
જણાવી દઈએ કે, સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં કોરોનાના વધુ ૨૦૭ નવા કેસો સામે આવ્યા હતા. આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૭૩૧૯ પર પહોંચી ગઈ છે.