પોલીસ માસ્ક વિના પકડે તો રૂા. ૨૦૦, AMC પકડે તો રૂા. ૫૦૦ દંડ!
અમદાવાદ: અમદાવાદઃ સોમવારથી અમદાવાદમાં માસ્ક વિના પકડાયેલા લોકો પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલવાનું શરુ કરાયું છે. જાેકે, પોલીસને હજુ સુધી આ અંગે ગૃહ વિભાગ તરફથી કોઈ સૂચના ના મળતા પોલીસ ૨૦૦ રુપિયા જ દંડ ઉઘરાવી રહી છે. નવાઈની વાત એ છે કે જાે માસ્ક પહેર્યા વિનાનો કોઈ વ્યક્તિ કોર્પોરેશનના સ્ટાફના હાથે ઝડપાય તો તેનો ૫૦૦ રૂપિયાનો મેમો ફાડવામાં આવે છે, જ્યારે પોલીસ કોઈને પકડે તો ૨૦૦ રૂપિયા જ દંડ થાય છે.
દંડની રકમ વધ્યાના પહેલા જ દિવસે કોર્પોરેશને ૩૦૦ લોકો સામે કાર્યવાહી કરી કુલ ૧,૬૧,૫૦૦ રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હતો. પોલીસ અને કોર્પોરેશન દ્વારા એક જ ગુના માટે લેવાતા દંડની રકમ જૂદી-જૂદી હોવા અંગે કંટ્રોલ રૂમના ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે પોલીસ હજુ ૨૦૦ રૂપિયાનો જ દંડ લઈ રહી છે ગૃહ વિભાગના આદેશ અનુસાર પોલીસ દંડ ઉઘરાવે છે. આ મામલે જ્યારે પણ વધારાયેલી રકમ સાથે દંડ ઉઘરાવવાનું જાહેરનામું ગૃહ વિભાગ દ્વારા બહાર પડાશે તે સાથે જ પોલીસ પણ ૫૦૦ રૂપિયા દંડ લેશે.
માસ્ક ના પહેરવાની સાથે કોર્પોરેશને જાહેરમાં થૂંકવા બદલ પણ દંડની રકમ ૨૦૦થી વધારીને ૫૦૦ રૂપિયા કરી છે. એટલું જ નહીં, જો કોઈ પાનમસાલા ખાઈ ગલ્લા પાસે જ પિચકારી મારે તો ગલ્લાવાળા પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા દંડ લેવાનું ફરમાન બહાર પડાયું છે. મંગળવારે કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લાવાળાઓ પાસેથી ૯૪,૯૦૦ જેટલો દંડ ઉઘરાવવાની સાથે ૧૩૧ ગલ્લા પણ સીલ કરી દીધા હતા. સૌથી વધુ ૩૮ દુકાનો પૂર્વ ઝોનમાં સીલ કરાઈ હતી. જ્યારે દક્ષિણમાં ૨૨, મધ્ય ઝોનમાં ૨૦, ઉત્તરમાં ૧૪, ઉત્તર-પશ્ચિમમાં ૧૪, દક્ષિણ-પૂર્વમાં ૧૧ અને પશ્ચિમ ઝોનમાં ૧૦ દુકાનો સીલ કરાઈ હતી.