Western Times News

Gujarati News

સુરત, અમદાવાદ અને વડોદરામાં સ્વૈચ્છિક રીતે દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં મંગળવારે કોરોના વાયરસના વધુ ૯૧૫ કેસ અને ૧૪ લોકોના મોત નોંધાયા. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૪૩,૭૨૩ પર પહોંચ્યો છે જ્યારે ૨,૦૭૧ લોકોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. સતત બીજા દિવસે રાજ્યમાં વધારે કેસ નોંધાયા જેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ ૨૯૧ સુરતમાં નોંધાયા અને અહીં વધુ ૫ના મોત પણ થયા. જ્યારે અમદાવાદમાં વધુ ૧૬૭ કેસ અને ત્રણના મોત નોંધાયા.

હવે સુરતમાં સ્થિતિ વણસી રહી છે ત્યારે કાપડ અને હીરા ઉદ્યોગના વેપારીઓ જાતે જ પોતાના ધંધા-વેપાર બંધ રાખી રહ્યા છે અથવા તો કામના કલાકોમાં ઘટાડો કરી રહ્યા છે જેથી વાયરસ વધારે ના ફેલાય.

લગભગ ૨ ડઝન જેટલા કાપડના માર્કેટ, જેમાં ૩૫,૦૦૦ જેટલી દુકાનો છે, તે બુધવારથી જુલાઈ ૨૦ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે તે કાપડ ઈન્ડસ્ટ્રીમાં લગભગ ૬૦૦ જેટલા કામદારો કામ કરે છે, આ માર્કેટોમાં મોટાભાગે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. લગભગ ત્રણ ડઝન જેટલા માર્કેટ બેઠકો કરીને સ્વૈચ્છિક બંધમાં જાેડાઈ શકે છે.

૧ જુન પછી કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા બાદ હીરાના કારખાનાઓ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે ૧,૩૦૦ જેટલા રત્ન કલાકારોને અસર થઈ છે. ડાઈમંડ ટ્રેડિંગ હબ ગણાતા મહિધાપુરામાં પણ બપોરના ૨થી ૬ દરમિયાન કામ કરવામાં આવે છે. અખિલ ભારતીય વેપારી સંઘ દ્વારા એક સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે સુરતમાં ૨ વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવી.

ઈન્ડસ્ટ્રીયલ ટાઉન તરીકે જાણીતા અંક્લેશ્વર અને દહેજમાં પણ ઘણી કંપનીઓમાં પોઝિટિવ કેસ આવવાના કારણે ચિંતા વધી છે, આ કારણે કેટલાક પ્લાન્ટ્‌સ બંધ કરવાની ફરજ પડી છે. જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કમલેશ ઉડાની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લ્યુપીન લેબોરેટ્રીસના ૮ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે ત્યારે શહેરના માણેકચોક સોના-ચાંદી ઘરેણાના સંગઠન દ્વારા મંગળવારે નિર્ણય કરવામાં આવ્યો છે કે, ૫૦૦૦ જેટલા હોલસેલ અને રિટેલ જ્વેલર્સ સ્ટોર પોતાના કામકાજના કલાકોમાં બુધવારથી ૨ કલાકનો ઘટાડો કરશે.

આ સંગઠનના પ્રમુખ પરેશ ચોક્સી જણાવે છે કે, “અમે અમારા સભ્યોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને સોસિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું કહીએ છીએ.” આ સાથે માર્કેટમાં ૬૫ વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિ ફરે નહીં તેનું પણ ખાસ ધ્યાન રખાય છે.

આ તરફ વડોદરા વેપારી વિકાસ મંડળ દ્વારા પાછલા અઠવાડિયે નક્કી કરવામાં આવ્યું હતું કે, સ્વૈચ્છિક રીતે શહેરમાં ૫ વાગ્યે દુકાનો બંધ કરી દેવી. જેમાં પ્રોવિઝન સ્ટોર ૬ વાગ્યે અને હોટલો રાત્રે ૯ વાગ્યે બંધ કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. શહેરમાં ભરચક વિસ્તાર ગણાતા મંગળ બજાર અને માંડવીમાં વેપારીઓ સમય મર્યાદાને વળગી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.