પતિએ પત્નીના માથામાં એવો મોબાઈલ માર્યો કે ટાંકા લેવા પડ્યા
અમદાવાદ: કોરોના કાળમાં ઘર કંકાસની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે મંગળવારે શહેરના આંબાવાડી વિસ્તારની એક મહિલાએ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ મોબાઈલ ફોન મારતા તેના માથાના ભાગમાં ઈજાઓ થઈ છે આંબાવાડીના કામેશ્વર ફ્લેટ્સમાં રહેતી ૩૨ વર્ષીય અચલા ગાંધી લેબોરેટરીમાં ઈન્ટરનેશનલ બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ હર્ષદ ગાંધીએ કાર સાફ કરવાના વિવાદમાં મોબાઈલ ફોન માર્યો હતો.
અચલાએ જણાવ્યું છે કે, સોમવારે કામ માટે તેના ઓફિસના લેપટોપને ઘરે લાવી હતી. અચલા મંગળવારે તે લેપટોપને પરત ઓફિસ લઈ જવાની હતી. પરંતુ વરસાદ હોવાનો કારણે લેપટોપ પલડે નહીં તેના માટે તેણીએ હર્ષદને કાર લઈ જવા માટે કહ્યું હતું. હર્ષદે તેને કહ્યું હતું કે, જાે તે કાર લઇ જવા માંગતી હોય તો તેણે કારને યોગ્ય રીતે મેન્ટેન કરવી પડશે. અચલાએ તેને કહ્યું કે તે કોઈને કાર સાફ કરવા અને તેમાં ફ્યુલ ભરવા આપી દેશે. હર્ષદને આ વાતનો ગુસ્સો આવ્યો અને તેણે આગ્રહ કર્યો કે જાે તે કાર લઈને જશે તો તેણે કારને જાતે જ સાફ કરવી પડશે.
બાદમાં હર્ષદે અચલાને કહ્યું કે, તે તેને ઓફિસ પર મૂકી જશે પરંતુ કાર એકલા લઈ જવા દેશે નહીં. ત્યારબાદ બંને એકસાથે કારમાં રવાના થયા થયા હતા. આ દરમિયાન ફરીથી હર્ષદે અચલા સાથે લડવાનું શરૂ કર્યું અને કહ્યું કે, તેણીએ કાર સાફ કરવી પડશે. બંને વચ્ચે દલીલ થતા હર્ષદે સમર્પણ ફ્લેટસ પાસે કાર ઉભી રાખી હતી. ત્યારબાદ તેણે અચલાનો મોબાઈલ છીનવીને માથામાં માર્યો હતો. જેને કારણે તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
ત્યારબાદ હર્ષદ તેને ઘરે લઈ ગયો, જ્યાં તેણે તેની સાસુ-સસરા અને તેના પિતાને ઘટના વિશે જણાવ્યું. બાદમાં અચલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. તેણીએ જણાવ્યું હતું કે વી.એસ.હોસ્પિટલમાં સારવાર લીધી છે, મોબાઈલથી ઈજા થવાને કારણે બે ટાંકા આવ્યા છે. નવરંગપુરા પોલીસે હર્ષદ સામે ઈજા પહોંચાડવા બદલ ફરિયાદ નોંધી હતી.