પાનના ગલ્લાઓ, ચાની કીટલીઓ પર તવાઈઃ પોલીસ, કોર્પોરેશનની ટીમો મેદાનમાં
માસ્ક નહિ પહેરનારાઓ સામે રૂ.પ૦૦ના દંડની શરૂઆત : સિંધુભવન- આઈ.આઈ.એમ રોડ પર ફૂટપાથ કબજે કરનારાઓ સામે દંડનાત્મક કાર્યવાહી કયારે ??
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના ફેલાવાને કારણે માઈક્રોકન્ટેન્ટમેન ઝોનમાં વધારો થતા રાજય સરકાર ચોંકી ઉઠી હતી અને કોરોનાને કાબુમાં લેવા માટે કોર્પોરેશનના અધિકારીઓને તાકીદ કરી હતી. સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબુ છે. અમદાવાદમાં એકંદરે કેસ ઘટી રહયા છે પણ સુરત કોરોનાનું મુખ્ય સેન્ટર થઈ ગયુ છે. કોરોનાના કેસો સતત વધતા ઉચ્ચ અધિકારીઓએ સુરતમાં ધામા નાંખ્યા છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં પાનના ગલ્લા, ચા ની કીટલીઓ પર સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ જાેવા મળતા કોર્પોરેશનની ટીમોએ તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છે ગઈકાલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર સરકારી ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા પાનના ગલ્લાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે.
પાનના ગલ્લા ચા ની કીટલીઓની સાથે- સાથે શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર કોર્પોરેશને ચેકપોસ્ટ ઉભી કરી દીધી છે જયાં શહેરમાં પ્રવેશતા તમામ લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાય છે. રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ આવેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહયા છે વળી માસ્ક નહિ પહેરનાર શહેરીજનો સામે કડક કાર્યવાહીની આજે પણ શરૂઆત કરી દેવામાં આવી છે.
વહેલી સવારથી જ કોર્પોરેશનની ટીમોએ માસ્ક નહી પહેરનારાઓને રૂ.પ૦૦નો દંડ ફટકારવાની શરૂઆત કરી છે જાહેર રસ્તાઓ પર પણ ટોળા ઉભા રહેતા હોય છે ત્યાં સોશિયલ ડીસ્ટીગનું પાલન નહી કરનારાઓ સામે કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે. પાનના ગલ્લાવાળાઓકે જયાં પાન-મસાલા ખાઈને થૂંકે છે. ગંદકી કરે છે તેવા પાનના ગલ્લાઓને સીલ કરી દેવાયા છે. કોર્પોરેશનની કાર્યવાહીથી ફફડી ઉઠેલા કેટલાક પાનના ગલ્લાવાળાઓ તો પાનના ગલ્લા બંધ રાખવાનું મુનાસીબ માન્યુ છે. ગઈકાલે પણ કોર્પોરેશને લગભગ ૭ ઝોનમાં કડક પગલા લીધા હતા. ખાસ કરીને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોર્પોરેશનની મુવીંગ ટીમો સક્રિય થઈ ગઈ છે આ વિસ્તારમાં સરકારી નિયમોનું પાલન નહી કરનારાઓ સામે દંડ વસુલ કરાઈ રહયો છે. આપણે ત્યાં કહેવત છે કે ચમત્કાર વિના નમસ્કાર નહિ.
કોર્પોરેશને માસ્ક નહિ પહેરવા બદલ રૂ.પ૦૦નો દંડ જાહેર કર્યા પછી નાગરિકો માસ્ક પહેરતા થઈ ગયા છે. દંડની રકમ વધારતા હવે લોકો માસ્ક પહેરતા થઈ જશે તે નકકી છે. વળી પાનના ગલ્લા, ચાની કીટલીઓ પર ભીડભાડ ઓછી થઈ જશે. રાજય સરકાર હજુ પણ નવા કડક નિયમો લાવી રહી છે ખાસ કરીને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નિયમોનું પાલન થાય તે માટે નવા નિર્દેશો આપવામાં આવશે.
કોર્પોરેશનની કાર્યવાહીને લઈને પાનના ગલ્લાઓવાળામાં કચવાટ ફેલાયો છે અમુક પાનના ગલ્લાવાળાઓ કહી રહયા છે કે શહેરના ઘણા માર્ગો એવા છે કે ત્યાં ટેમ્પો રીક્ષા તથા લારીઓ સાથે જાહેર માર્ગો પર ચાની કીટલીઓ, પાનના ગલ્લા ખોલીને રસ્તાઓ કબજે કરી લેવામાં આવે છે આવા લોકો સામે કાર્યવાહી કરતા કોર્પોરેશન શા માટે અચકાય છે.
સિંધુભવન, આઈ.આઈ.એમ. રોડ પર ફૂટપાથ પર રીતસરનો કબજાે જમાવીને પાન-મસાલાનો ધંધો કરાય છે. આ તમામ સ્થળોએ ભીડભાડ થતી હોય છે તેમ છતાં શહેરના જુદા- જુદા વિસ્તારમાં આ પ્રકારે ધંધો- વ્યવસાય કરનારાઓ સામે કોર્પોરેશન કેમ મૌન છે ?? તેવો સવાલ ઉઠી રહયો છે પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને રૂ.૧૦,૦૦૦નો તોતીંગ દંડ ફટકારાય છે તો ફૂટપાથ પર કબજાે જમાવીને બેઠેલા સામે કોર્પોરેશન મૂક પ્રેક્ષક કેમ બન્યુ છે ?
કોર્પોરેશને બે દિવસથી સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છે પાનના ગલ્લાઓ સીલ કરી દેવાયા છે જયારે ચા ની કીટલીઓ વાળા પણ આ કાર્યવાહીમાંથી બાકાત નથી. આજે સવારથી જ કોર્પોરેશનની ટીમોએ અલગ-અલગ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને પશ્ચિમ તથા નવા પશ્ચિમ ઝોનમાં જયાં માઈક્રોકન્ટેન્ટમેન્ટ વિસ્તાર વધારે છે ત્યાં કોર્પોરેશનની ટીમોએ પોતાની કામગીરી તેજ કરી દીધી છે.