Western Times News

Gujarati News

અમેરિકામાં પણ ટીકટોક પર પ્રતિબંધ મૂકવાની માંગણી પર ભાર મૂકાયો

વોશિંગ્ટન: ભારત બાદ હવે અમેરિકામાં પણ ટીકટોક સહિત અન્ય ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. ૨૪ પ્રભાવશાળી રિપબ્લિકન સાંસદોએ આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે જે રીતે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૫૯ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનું અસાધારણ પગલું ભર્યું છે તે જ પ્રકારે અમેરિકાએ પણ કાર્યવાહી કરવી જોઈએ.

અમેરિકી બજારો સુધી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલા ટીકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પહોંચ સિમિત કરવાના પ્રશાસનના પ્રયત્નોને બિરદાવતા સાંસદોએ કહ્યું કે ચીની એપ્સ યૂઝર્સના ડેટાને ચીનની સરકાર સાથે શેર કરે છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ છે. આથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

સાંસદોના સમૂહનું નેતૃત્વ કરનારા કેન બકે પત્રમાં લખ્યું કે ‘જૂનમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટીકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો. જો કે એવું નથી કે ગેરકાયદેસર રીતે યૂઝર્સના ડેટાને મેળવવાનો ચીની ખેલ ફક્ત ભારત સુધી સિમિત છે. વાસ્તવમાં ચીની અધિકારી અમેરિકાની એડવાન્સ ડેટા માઈનિંગ નીતિઓના માધ્યમથી અમેરિકી ગ્રાહકો અને સરકારી ડેટા સુધી સરળ પહોંચનો આનંદ ઉઠાવી રહ્યાં છે.’

સાંસદોએ પોતાના પત્રમાં એ દર્શાવવા માટે અનેક ઉદાહરણ આપ્યાં કે ચીની એપ્સ અમેરિકનોની જાસૂસી કરી રહ્યાં છે. તેમણે એપની ગોપનીયતાનો હવાલો આપતા કહ્યું કે ગોપનીયતા નીતિ મુજબ જ્યારે તમે એપનો ઉપયોગ કરો છો તો તે આપોઆપ તમારી પાસેથી કેટલીક જાણકારીઓ મેળવી લે છે. જેમાં ઈન્ટરનેટ કે અન્ય નેટવર્ક સંબંધિત ગતિવિધિઓની જાણકારી સામેલ છે. જેમ કે તમારું આઈપી એડ્રસ, જિયોલોકેશન-સંબંધિત ડેટા, યુનિક ડિવાઈઝ ઓળખકર્તા, બ્રાઉઝર અને સર્ચ હિસ્ટ્રી તથા કૂકીઝ. આ ઉપરાંત કંપનીની ગોપનીયતા નીતિ એમ પણ કહે છે કે જ્યારે કોઈ થર્ડ પાર્ટી સોશિયલ મીડિયા નેટવર્કથી ટીકટોક સાથે કોઈ જાણકારી શેર કરે છે તો તે તેને પણ ભેગી કરે છે.

સાંસદોએ આગળ કહ્યું કે વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ હાલમાં જ કહ્યું કે જો અમેરિકનો ઈચ્છે કે તેમની જાણકારી ચીની સરકારના હાથમાં જતી રહે તો તેઓ ટિકટોકનો ઉપયોગ કરી શકે છે. આથી હવે સમય આવી ગયો છે કે અમેરિકાએ પણ ભારતની જેમ તમામ ચીની એપ્સ વિરુદ્‌ધ કાર્યવાહી કરવી જોઈએ. પત્રમાં આગળ કહેવાયું છે કે ઓસ્ટ્રેલિન રણનીતિક નીતિ સંસ્થાનનો એક રિપોર્ટ જણાવે છે કે ચીની કંપની બાઈટડાન્સ ઉઈગર મુસ્લિમોના ઉત્પીડનમાં ચીની સરકાર સાથે મળીને કામ કરે છે. ચીની કાયદા મુજબ કંપનીએ પોતાના ડાઈરેક્ટર બોર્ડમાં સીસીપી અધિકારીઓને જગ્યા આપવી પડે છે. આથી એ સ્પષ્ટ છે કે ચીની એપ્સ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઈશારે કામ કરે છે.

સાંસદોએ પત્રમાં લખ્યું કે અમેરિકી સરકારે ચીની એપ્સ કે વેબસાઈટ પર ભરોસો કરવો જોઈએ નહીં. તે અમેરિકાના ખાનગી ડેટા અને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ છે. આથી અમે આગ્રહ કરીએ છીએ કે ચીની સરકારના આ જાસૂસી અભિયાનને રોકવા માટે કડક કાર્યવાહી કરવી જોઈએ. નોંધનીય છે કે હાલમાં જ સેનેટર જોશ હોર્લેએ એક બિલ રજુ કર્યું છે જેમાં સરકારી વિભાગો દ્વારા અપાયેલ કોઈ પણ ડિવાઈઝ પર ટિકટોકનો ઉપયોગ કરવા કે ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.