દુબઇની હોસ્પિટલની દરિયાદિલી, કોરોના દર્દીનું 1.52 કરોડનું બિલ માફ કર્યું
દુબઇ, રિપોર્ટ મુજબ તેલંગાણાનાં જગીતાલમાં રહેતા 42 વર્ષિય ઓદનલા રાજેશ કોરોના પોઝિટિવ થયા બાદ 23 એપ્રિલનાં દિવસે દુબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, તેમની સારવાર લગભગ 80 દિવસ સુધી ચાલી અને તેઓ સાજા થયા બાદ હોસ્પિટલનું 7,62,555 દિરહામ ( 1 કરોડ 52 લાખ રૂપિયા)નું બિલ બન્યું, જે ચુકવવું તેના માટે મુશ્કેલ હતું. કોરોના વાયરસનાં કારણે ઘણા લોકો હોસ્પિટલોમાં દાખલ થયેલા છે, જેના કારણે સરકારી હોસ્પિટલોમાં ભીડ વધી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોની ફિ ગરીબ લોકોની તાકાત બહારની વાત છે, એવામાં દુબઇની એક હોસ્પિટલે માનવતાનો પાઠ ભણાવતા તેલંગાણાનાં એક કોરોના દર્દીઓની સારવારનો ખર્ચ માફ કર્યો છે.
દર્દીની સારવારનો ખર્ચ 1.52 કરોડ રૂપિયાતો માફ કર્યો તેની સાથે-સાથે ફ્લાઇટની મફત ટિકિટ અને 10 હજાર રૂપિયા હાથમાં આપીને તેને ભારત પરત મોકલ્યો. દુબઇમાં ગલ્ફ વર્કર્સ પોટેક્સન સોસાયટીમનાં અધ્યક્ષ દુંદેલી નરસિમ્હા રાજેશનાં સંપર્કમાં હતાં, ખરેખર તો તે જ રાજેશને હોસ્પિટલમાં લાવ્યા હતાં, તેમણે બિલનાં મામલે ભારતીય દુતાવાસનાં અધિકારી સુમનાથ રેડ્ડી સાથે વાત કરી, પછી રાજદુત હરજીત સિંહે દુબઇની હોસ્પિટલ મેનેજમેન્ટને એક ચિઠ્ઠી લખી અને માનવતાનાં ધોરણે તેનું બિલ માફ કરવાની વિનંતી કરી.
હોસ્પિટલે પણ સકારાત્મક વલણ અપનાવ્યું અને માનવતાનાં નાતે રાજેશનું સંપુર્ણ બિલ માફ કરી દિધું, તે ઉપરાંત એર ઇન્ડિયાની ફ્રિ ટિકિટ અને હાથ ખર્ચ પેટે 10 હજાર રૂપિયા પણ આપ્યા, મંગળવાર રાત્રે રાજેશ વતન પરત ફર્યો, જ્યાં અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું, હાલ રાજેશને 14 દિવસ માટે હોમ કોરન્ટાઇન કરાયો છે.