મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર સંજય ગુપ્તાની ૧૪.૧૫ કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી

File
અમદાવાદ, અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તાની ૧૪.૧૫ કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ પૂર્વ આઈએએસ ગુપ્તાની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. ગુપ્તા વિરુદ્ધ મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સંજય ગુપ્તા સહિત ગુજરાતના અન્ય લોકોની સંડોવણી હોવાની ચર્ચા ચાલી રહી છે. ૧૯૮૫ બેચનાં આઈએએસ અધિકારી રહી ચૂકેલા ગુપ્તાની આ સંપત્તિ અમદાવાદ, દહેજ અને નોઇડામાં આવેલી છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં અમદાવાદની હાૅટલ, દહેજના સેઝમાં આવેલા ઇન્ડસ્ટ્રી પ્લોટ, નોઇડાનાં ફ્લેટનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ગતવર્ષે જ ઇડીએ તેના અને પરિવાર સાથે સંકળાયેલી આશરે ૩૬.૧૨ કરોડ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી. પૂર્વ આઈએએસ ગુપ્તા પર ગાંધીનગરથી અમદાવાદને જોડતી મેટ્રો રેલ લિંકનાં પ્રોજેક્ટમાં આશરે ૧૧૩ કરોડ રૂપિયાની ઉતાપત કરી હોવાનો આક્ષેપ છે જેમાં તેમની પહેલા ધરપકડ પણ થઇ ગઇ હતી. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ગુજરાતના પૂર્વ આઈએએસ ગુપ્તાની કંપનીને સોંપવામાં આવી હતી. સંજય ગુપ્તાએ જુદી-જુદી બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવી ખરીદી કર્યા વગર બોગસ બિલો જનરેટ કરી કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હતા.
જે સામે આવતા સંજીવ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદો નોંધાઇ હતી. જે બાદ અમદાવાદ ઈડ્ઢએ પણ મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી. જેમાં અધિકારીઓએ સંજય ગુપ્તાની ઘણી બધી પ્રોપર્ટી શોધી કાઢી લેવાનું અભિયાન આદર્યું હતું. જેમાં સંજય ગુપ્તાની અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કરોડો રૂપિયાની મિલકત વસાવી હતી જે સામે આવતા અમદાવાદ અને ગાંધીનગરની મિલકતોનો ઘણો ભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ટાંચમાં લેવામાં આવ્યો હતો.
આ સાથે સંજય ગુપ્તાની દિલ્હી તથા નોઇડામાં નિશા ગ્રુપમાં હોટલ લક્ઝુરિયસ ફ્લેટ તથા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે. જેની કિંમત ૧૪.૧૫ કરોડ થાય છે આ મિલકતો ડિપાર્ટમેન્ટ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. આ ઉપરાંત ગુપ્તાએ પોતાના સગાસંબંધીઓના નામે પણ મિલકતો વસાવી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.