Western Times News

Gujarati News

મ્યુનિ. મિલ્કતવેરા વિભાગને “ખાલી-બંધ” યોજના પેટે નવી ૧૧૭પ૪ અરજી મળી

પાછલા વર્ષની બાકી અરજીઓનો પણ સ્વીકાર થઈ રહયો છે

(દેવેન્દ્રશાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી હોવાથી શાસકપક્ષ અને વહીવટીતંત્ર દ્વારા પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલી મિલ્કતવેરાની “ખાલી-બંધ” યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે. પૂર્વ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ અગમ્ય કારણોસર સદર યોજના બંધ કરાવી હતી તથા મ્યુનિ. હોદ્દેદારોએ તેમને મૂક સમર્થન આપ્યુ હતું. મ્યુનિ. કમિશ્નરની બદલી અને મનપાની ચૂંટણી એમ બે પોઝીટીવ કારણો મળ્યા હોવાથી નાના-મોટા વેપારીઓને મિલ્કતવેરામાં લાભ થશે. લોકડાઉનના કારણે ત્રણ મહીના સુધી વેપાર-ધંધા બંધ રહયા હોવાથી વેપારીઓને આર્થિક રાહત મળશે. નવા નાણાંકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ વિભાગને ખાલી બંધ યોજના પેટે ૧૧ હજાર કરતા પણ વધુ અરજીઓ મળી છે જે વેપારીઓની આર્થિક સ્થિતી તથા મનપાએ બે વર્ષથી બંધ કરેલી યોજનાનું સચોટ ચિત્ર રજુ કરે છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૯૮ની સાલમાં ૈખાલી બંધ” યોજના અંગે ખાસ ઠરાવ થયો છે. સ્ટેન્ડીંગ કમીટી અને મ્યુનિ. બોર્ડમાં થયેલ ઠરાવ મુજબ જાે કોઈ મિલ્કત સતત ૬૦ દિવસ કે તેથી વધુ સમય માટે બંધ રહી તો તે મિલ્કત ધારકને બંધ રહેલા સમયગાળા પુરતો “ખાલી-બંધ” યોજનાનો લાભ મળી શકે છે. જેમાં ૭પ ટકા સુધી રીબેટ આપવામાં આવે છે. ૧૯૯૮થી ર૦૧૮-૧૯ સુધી આ યોજના બરાબર ચાલતી હતી.

પરંતુ તત્કાલીન મ્યુનિ. કમિશ્નરે ર૦૧૮-૧૯માં કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ કે જાણકારી આપ્યા વિના જ આ યોજના બંધ કરી હતી. પાછલા વર્ષમાં અરજી કરી હોય પરંતુ નિકાલ ન થયો હોય તેવી ફાઈલોને પણ અભરાઈએ મુકવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે ર૦૧૮-૧૯માં ખાલી બંધ યોજનાની સાથે સાથે વ્યાજ રીબેટ પણ બંધ કરવામાં આવ્યુ હતુ. મ્યુનિ. વિપક્ષ અને કરદાતાઓએ આક્રોશ વ્યકત કર્યો હતો. પરંતુ મ્યુનિ. કમિશ્નર અને શાસકોના દિલ પીગળ્યા ન હતા. નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦માં થોડો બદલાવ આવ્યો
હતો તથા જે તે નાણાકીય વર્ષ પૂરતો જ લાભ આપવા માટે જાહેરાત થઈ હતી. જયારે પડતર ફાઈલો માટે સ્પષ્ટ નનૈયો ભણવામાં આવ્યો હતો

તે સમયે ખાલી-બંધ યોજનાની ૧પ હજાર કરતા વધુ ફાઈલોનો નિકાલ બાકી હતો જેમાં મધ્યઝોનમાં ૩ર૧પ, ઉત્તર ઝોનમાં ૧૭૬૬, દક્ષિણ ઝોનમાં ૮૯પ, પૂર્વ ઝોનમાં ૩ર૭૦, પશ્ચિમ ઝોનમાં ર૯૭૬, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૩ર૮ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૭૮૪ ફાઈલોનો નિકાલ બાકી હતો. તે સમયે મ્યુનિ. કમિશ્નરનો પ્રભાવ એટલો હતો કે હોદ્દેદારો નાના કરદાતાઓ માટે પણ વિચાર કરી શકતા ન હતા


પરંતુ હવે મ્યુનિ. કમિશ્નર બદલાયા છે તથા હોદ્દેદારો પણ ધીમે-ધીમે ભૂતકાળ ભુલી રહયા છે તેથી કરદાતાઓને પાછલા વર્ષની બાકી અરજીનો પણ સ્વીકાર કરવાની જાહેરાત થઈ છે. વક્રદૃષ્ટાઓ આ જાહેરાતને ચૂંટણીનો પ્રભાવ પણ કહી રહયા છે તે અલગ બાબત છે પરંતુ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનની સદ્‌ર જાહેરાત બાદ પ્રોપટી ટેક્ષ વિભાગમાં અરજીઓનો ધોધ શરૂ થયો છે.

મ્યુનિ. ટેક્ષ ખાતાના સૂત્રોએ જણાવ્યા મુજબ નવા નાણાકીય વર્ષમાં ખાલી-બંધ યોજનાની અરજીઓ ૧૧૭પ૪ આવી છે, જે પૈકી મધ્યઝોનમાં રર૪ર, પૂર્વ ઝોનમાં ર૦પ૮, ઉત્તર ઝોનમાં ૧૭૮૧, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧પ૭૦, દક્ષિણ ઝોનમાં પ૮૬, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૮૯૮ તેમજ પશ્ચિમ ઝોનમાં ર૬૧૯ અરજીઓ આવી છે. જે પૈકી મધ્યઝોનમાં રપ, પૂર્વઝોનમાં ૭૭, ઉત્તર ઝોનમાં ર૧, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧ર૧, દક્ષિણ ઝોનમાં ૦૯, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૦ર અને પશ્ચિમ ઝોનમાં ૩૮ મળી કુલ ર૯૩ અરજીઓનો નિકાલ થઈ ગયો છે જયારે ૬૧ અરજીઓ ફાઈલ કરવામાં આવી છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના સીનીયર કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે લોકડાઉન દરમ્યાન વેપાર-ધંધા બંધ રહયા હોવાથી નાના-મોટા વેપારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે તેથી લોકડાઉનના સમયગાળા માટે પણ ખાલી-બંધ યોજનાનો લાભ આપવામાં આવે તે જરૂરી છે. સાથે-સાથે ૧૮ ટકાના બદલે સાત ટકા વ્યાજ માટે પણ જાહેરાત થાય તે જરૂરી છે.

રીઝર્વ બેંક કરતા પણ વધુ વ્યાજ પ્રોપર્ટી ટેક્ષ પેટે લેવામાં આવે છે. કોરોનાના કપરાકાળ દરમ્યાન આર્થિક રીતે તકલીફમાં આવેલા કરદાતાઓને રાહત આપવી જરૂરી છે. પાછલા બે નાણાંકીય વર્ષમાં તત્કાલીન કમિશ્નરે ખાલી બંધ યોજના બંધ કરી હતી તથા એક વર્ષ રીબેટ યોજના પણ આપવામાં આવી ન હતી. તેથી આ સમયગાળા દરમ્યાનની બાકી રકમ ઉપર પણ સાત ટકા વ્યાજ લેવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.