કોરોનાના દર્દીને હોસ્પિટલોએ કેશલેસ સારવાર આપવી પડશેઃ ઈરડા
નવી દિલ્હી, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે.ભારતમાં દર્દીઓનો આંકડો 10 લાખને પાર થઈ ચુક્યો છે. જોકે બીમાર થનારા લોકોને ખાનગી હોસ્પિટલોના તોતિંગ બિલની પણ ચિંતા હોય છે.મેડી ક્લેઈમ હોવા છતા હોસ્પિટલો અને વીમા કંપનીઓ કેશલેસ સારવાર માટે આનાકાની કરી રહી હોવાના કિસ્સા પણ બની રહ્યા છે. આ પ્રકારની સ્થિતિમાં હવે વીમા કંપનીઓને નિયંત્રિત કરતી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ફંડ ડેવપલમેન્ટ ઓથોરિટી( ઈરડા)એ કોરોના પોઝિટિવ વીમા ધારકોને કેશલેસ સારવાર આપવા માટે તાકીદ કરી છે.
ઈરડાએ હોસ્પિટલોને તાકીદ કરી છે કે, કોરોના પોઝિટિવ હોય તેવા વીમા ધારકોને સારવાર દરમિયાન કેશલેસ વિકલ્પ હોય તો તેની સુવિધા મલવી જોઈએ.આ નિર્ણય બાદ શક્ય છે કે, કોરોનાના દર્દીઓને રાહત મળશે. ઈરડાએ કહ્યુ છે કે, જેમને આ પ્રકારની સુવિધા નથી મળી રહી તેવા વીમા ધારકો ફરિયાદ કરી શકે છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.