કોરોનાઃ ડર સબકો લગતા હૈ, ગલા સબકા સુખતા હૈ
લોકડાઉન- અનલોક વચ્ચે અટવાતી stay home stay safe : તો ખાશું શું ? : બહાર નીકળો તો કોરોનાનો ડર ઘરે રહો તો નોકરી જવાનો ડર
(પ્રતિનિધિ) અમદાવાદ કોરોનાએ જાણે કે જીવનને થંભાવી દીધુ છે જે દેખાય છે એ જાણે કે કૃત્રિમ લાગે છે એક બીજા સાથેના વ્યવહારની અંદર જાણે કે ખાલીપો ઉભો થઈ રહયો છે. પહેલો સગો પડોશી અને મહેમાનતો ભગવાનનું સ્વરૂપ હોય છે તે જાણે કે વિસરાયુ છે પડોશી પાકલાક ઘરમાં આવીને ધામા નાંખે તો કોઈને ગમતુ નથી. આવા સંજાેગોમાં મહેમાનોની મહેમાનગતિની તો વાત બાજુ પર રહી ગઈ છે.
ગતિ જીવનનો પૂર્વમંત્ર છે તેમ સંતો-મહંતો કહે છે પરંતુ જાણે કે કોરોનાએ ગતિને બ્રેક મારી દીધી છે ગુજરાતની ગતિશીલ- વિકાસલક્ષી સરકારે અનલોક-૧-રની જાહેરાત કરી જેનાથી જનજીવન થાળે પડી જાય, ધીમેધીમે બજારો ખુલ્યા, બસ વ્યવહાર શરૂ થયા અને લોકો નોકરી – કામ-ધંધે લાગ્યા છે પણ નાગરિકોની બેદરકારી ગણો કે ગમે તે કારણ હોય કોરોનાના કેસો ગુજરાતમાં ચિંતાજનક હદે વધ્યા છે.
કેન્દ્ર અને રાજય સરકાર ચિંતિત છે. રાજય સરકારના અધિકારીઓ સતત કોરોના સંક્રમણ અટકાવવા કામગીરી કરી રહયા છે.
પરંતુ કોરોનાને કાબુમાં લાવતા સમય લાગશે તેમ જણાઈ રહયુ છે. કોરોના સંક્રમણ શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારો તરફ વધ્યુ છે તે ફિકર કરાવે તેવી બાબત છે. સ્થિતિ હવે એવી આવી છે કે લોકો ‘લોકડાઉન’ અને ‘અનલોક’ની સ્થિતિનું એનાલીસીસ કરવા લાગ્યા છે. લોકડાઉનમાં દેશભરમાં કેસ ખૂબ જ ઓછા હતા તે સાચી વાત છે તો કામ ધંધા ઠપ હતા.
આર્થિક વ્યવહારો અટકી ગયા હતા. તેમાંથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોએ કમરકસીને નિર્ણય કર્યો કે ગમે તે ભોગે અર્થતંત્રને પાટે ચઢાવવુ હોય તો દેશના તમામ રાજયોમાં અનલોક જાહેર કરવુ પડશે. ત્યારપછી અનલોક-૧ અને અનલોક-ર આવ્યુ. અમુક રાજયોએ મર્યાદા સાથે લોકડાઉન ચાલુ રાખ્યુ છે તે અલગ વાત છે.
પરંતુ આવી પરિસ્થિતિમાં અનલોકમાં કોરોના સંક્રમણ વધ્યુ છે આંકડામાં મોટો તફાવત છે તેને બાજુએ રાખીએ તો કોરોના સંક્રમણ દેશમાં રોકેટગતિએ આગળ વધી રહયું છે. ગુજરાતમાં સુરત- અમદાવાદ- ભાવનગર- વડોદરા- રાજકોટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો આવી રહયા છે. તેમાં આંકડામાં વધઘટ હોઈ શકે છે.
અર્થતંત્રની ગાડી ધીમેધીમે આગળ વધી રહી છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા જ સરકારી લોકડાઉનની જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન બીજા શબ્દોમાં કહીએ તો વેપારી સંગઠનો કામના કલાકો ઘટાડી રહયા છે તો અમુક સ્થળોએ તો બે-ત્રણ દિવસના બજારો લોકડાઉનના સમાચારો મળી રહયા છે દરમિયાનમાં ગુજરાત સિવાયના અન્ય કેટલાક રાજયોએ સિમિત રીતે લોકડાઉન વધારી દીધુ છે.
કોરોના સંક્રમણને કારણે ધીમે ધીમે ટ્રાફિક ઘટવા લાગ્યો છે. સુરત જેવા શહેરમાં તો રત્નકલાકારોએ પોતાના ગામ તરફ દિશા શરૂ કરી દીધી છે કોરોનાને કારણે કામ કરવુ કે ન કરવું તે પ્રકારની દ્વિધા સર્જાઈ રહી છે. કામના સ્થળે એક છૂપો ભય લોકોને સતાવી રહયો છે. બધા કામ ઓનલાઈન થતા નથી મોટાભાગના ક્ષેત્રમાં ફિલ્ડ વર્કની સાથે સાથે ‘ફેસ ટુ ફેસ’ મુલાકાત ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આવા સંજાેગોમાં કામ કરનારા કર્મચારીઓ- માલિકો સૌ કોઈ ચિંતિત છે કોઈ એક વ્યક્તિ સંક્રમિત થાય તો બધાને કવોરન્ટાઈન થવુ પડે છે.
લોકડાઉન અને અનલોકની સ્થિતિનું જાણ્યે- અજાણ્યે ચિંતન થઈ રહયુ છે. આ બંને સંજાેગોમાં કઈ સ્થિતિ અનુકુળ હતી. જાેકે કંઈ મેળવવુ હોય તો કંઈક ગુમાવવુ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ઘરે રહેશો તો કોરોનાથી બચવાના ચાન્સ છે, તો સામાન્ય વ્યક્તિ ખાશે શું ?? બહાર નીકળશો તો કોરોના સંક્રમિત થશો ?! જાહેરાતોમાં કહેવાય છે “Stay Home- Stay Safe’ તો પછી અર્થતંત્રની ગાડી પાટે કેમ ચઢશે ?? નાંણાકીય વ્યવહારો શરૂ નહી થાય તો આવક નહી થાય, બજારમાં રોકડ ફરતી નહી થાય. લાગે છે કે કોરોનાએ લોકોને અને સરકારોને “લોકડાઉન” “અનલોક”ની સ્થિતિ વચ્ચે અટવાઈ દીધા છે.