S.V.P.માં કોરોનાના દર્દીઓ માટે સગવડનો અભાવ
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહયું છે દિવસે- દિવસે કેસોમાં વધારો થઈ રહયો છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે સૌથી ટોચ પર સુરત છે ત્યાર પછી અમદાવાદનો ક્રમ આવે છે. રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગના તજજ્ઞોની ટીમ ગુજરાત આવી છે.
સુરત ખાતે કેન્દ્રીય ટીમે ડોકટરોને સાંભળ્યા હતા. જે દરમિયાન ડોકટરોએ અલગ-અલગ સ્તરે રજૂઆતો કરી હતી. ખાસ કરીને ટેસ્ટીંગ વધારવા, બેડની સુવિધા ઉપલબ્ધ થાય તથા કોરોનામાં જરૂરી ઈંજેશનની અછત સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતાં ત્યારપછી ટીમના સભ્યોએ ગાંધીનગર મુલાકાત લઈને મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને માહિતીની આપ-લે કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ખાસ કરીને રાજયની હોસ્પિટલોમાં કોરોનામાં દર્દીને ક્રીટીકલ કન્ડીશનમાં આપતા ઈન્જેકશનની અછતનો મુદ્દો મહત્વનો રહયો છે. સુરતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓના મૃત્યુ થઈ રહયા છે તેને જાેતા તબીબોએ ઈન્જેકશનની અછતને મુદ્દે કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરી હતી. તદ્દઉપરાંત અનેક રાજકીય આગેવાનોએ પણ ઈન્જેકશનની અછતને લઈને સ્વીકાર કર્યો છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર માટે હાર્દ સમાન ગણાતી એસ.વી.પી હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓ માટે પૂરતી સગવડ ઉપલબ્ધ નહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને આક્ષેપો થઈ રહયા છે. એસ.વી.પી. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડ ખાલી નહી હોવાની સાથે દર્દીઓને દાખલ કરવામાં આવતા નહી હોવાની વાત સપાટી પર આવી છે.
જયારે અત્યંત નાજુક પરિસ્થિતિમાં રહેલા કોરોનાના દર્દીઓને વેન્ટીલેટર અને ઓકિસજનની અછત પડી રહી છે. ઉલ્લેખનીય છે કે એસ.વી.પી હોસ્પિટલને લઈને અનેક પ્રકારના અહેવાલો માધ્યમોમાં આવતા હોય છે. હવે એસ.વી.પી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને માટે પૂરતા પ્રમાણમાં પથારી નથી તે પ્રકારની વાતની સાથે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી.
મતલબ એ કે હોસ્પિટલ દર્દીઓથી હાઉસફૂલ થઈ ગઈ છે તેમ કહેવામાં આવે છે, જયારે દર્દીઓને સારવાર માટે અત્યંત જરૂરી વેન્ટીલેટર અને ઓકિસજનની અછત સર્જાતી હોવાની વાત ચર્ચામાં આવી રહી છે. જાેકે સ્વાભાવિક રીતે સત્તાધીશો આ વાતનો ઈન્કાર કરી રહયા છે. કોરોના કાળમાં સરકારની કામગીરી અંગે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા રહે છે.
ઘણી વખત આક્ષેપોની વચ્ચે સાચી માહિતી બહાર આવતી હોય છે તો અમુક સંજાેગોમાં પાયાવિહોણા આક્ષેપો થતા હોય છે પરંતુ એસ.વી.પી હોસ્પિટલને લઈને માધ્યમોમાં અલગ-અલગ અહેવાલો પ્રસારિત થઈ રહયા છે તે હકીકત છે.