આમોદના પુરસા ગામેથી ૨૦૦ લીટર સરકારી ભૂરું કેરોસીન ભરેલું પીપ ઝડપાયું

આમોદ પુરવઠા મામલતદારે કેરોસીન કબ્જે લઈ દુકાન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના પુરસા ગામે આજ રોજ સરકારી ભૂરું કેરોસીન ભરેલું પીપ ઝડપી પાડી દુકાન સંચાલક સામે આમોદ પુરવઠા મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથધરી કેરોસીન કબજે લીધું હતું.
આમોદ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારને બાતમી મળતા તેમની ટીમ સાથે પુરસા ગામે પહોંચી નેહપતસિંહ હરિસિંહ રાજના ઘરેથી ૨૦૦ લીટર સરકારી ભૂરું કેરોસીન ભરેલું પીપ કબ્જે લીધું હતું અને તેની પાસેથી પુરવઠા મામલતદારે જવાબો લેતા તેણે પુરસા ગામમા સરકારી દુકાન સંચાલક દિલીપસિંહ ચંદ્રસિંહ રાણા (ડી સી રાણા) પાસેથી એક લીટરના પચાસ રૂપિયાના ભાવે ખરીધ્યું હોવાનું જણાવ્યું હતું.જ્યારે દુકાન સંચાલક ડી સી રાણાએ આમોદ પુરવઠા મામલતદારને તેણે કોઈ કેરોસીન આપ્યું ના હોવાનું જણાવ્યું હતું.
આમોદમા દરબાર રોડ ખાતે રહેતા અને પુરસા ગામે સરકરી દુકાનનું સંચાલન કરતા ડી સી રાણાની આમોદ મામલતદારને અનેક ફરિયાદો મળી હતી તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી બે વખત તેની દુકાનની ૧૦૦ ટકા રેશનકાર્ડ ચેકિંગ વખતે પુરવઠો વધઘટ થતા જિલ્લા પુરવઠા અધિકારીએ તેને ૨.૫૧ લાખનો દંડ પણ કર્યો હતો જેની સામે ડી સી રાણાએ હાઈકોર્ટમાં પણ અપીલ કરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પંથકમાં ગરીબ અને અભણ વ્યક્તિઓનું અનાજ બારોબાર દુકાન સંચાલકો જ ઓહીયા કરી જાય છે ત્યારે આમોદનું પુરવઠા વિભાગ પણ આવા દુકાન સંચાલકો સામે લાલ આંખ કરી ગરીબ અને અભણ કાર્ડધારકને ન્યાય અપાવે તેવી આમોદમાં લોક ચર્ચાઓ જાગી છે. વધુમાં આમોદમાં દુકાન સંચાલકો ગરીબ અને અભણ રેશનકાર્ડ ધારકો સાથે તોછડી ભાષાનો પ્રયોગ કરી કુપન પણ આપતા ના હોવાની અનેક ફરિયાદો પણ સામે આવી છે ત્યારે આમોદનું વહીવટી તંત્ર આવા દુકાન સંચાલકોની જોહુકમી સામે કાયદેસરની કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે.