ધંધા-રોજગારની પુનઃ શરૂઆતમાં આત્મનિર્ભર સહાય મળતા હું ચિંતા મુક્ત બન્યો: પરેશભાઈ

આણંદના ટાવર બજાર પાસે ચ્હાની લારી ચલાવતા પરેશભાઈને રૂા ૧ લાખનું આત્મનિર્ભર સહાય કવચ મળ્યું
આત્મનિર્ભર યોજનાએ સાચા અર્થમાં નાના ધંધાદારીઓ, રોજનું રોજ કમાઈને ખાનારા લોકોનું મનોબળ મજબૂત કરી તેમને પગભર બનાવ્યા છે ગુજરાતમાં લોકડાઉનનો ગાળો નાના રોજગાર ધંધાવાળા માટે મુશ્કેલ ભર્યો હતો અને તેઓને રાહત આપવી જરૂરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર યોજના હેઠળ રૂા.૧ લાખની લોન બીલકુલ ઓછા વ્યાજે મળે એવી વ્યવસ્થા કરી અને આવી લોન મેળવનારમાં આણંદના ટાવર બજાર વિસ્તારમાં ચાની લારી ચલાવનાર શ્રી પરેશભાઈ ગોહિલની આ વાત છે.
આ અંગે પરેશભાઈ ગોહિલ જણાવે છે કે, આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરાત થતા જ હું આણંદની સરદાર ગંજ મર્કંટાઈલ કો.ઓ. બેંક લી. માં દોડી ગયો હતો અને ત્યાં જઈને આ યોજના અંગે વિગતો મેળવી ફોર્મ સાથે જરૂરી પુરાવાઓ રજુ કર્યા હતા જે બાદ બેંકમાં મારી અરજી સ્વીકારવામાં આવી અને મારી રૂા.૧ લાખની લોન મંજૂર થઈ ગઈ.
આત્મનિર્ભર સહાય મળતા જ પરેશભાઈ કહે છે કે, હું રોજનું કમાઈને રોજનું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું પરંતુ અચાનક આવી પડેલી વિપત્તિ સમાન આ લોકડાઉનના કારણે કમાણીનો સ્ત્રોત હતો તે જ બંધ થઈ ગયો અને સતત ચિંતા સતાવતી રહેતી કે આવતી કાલે શું થશે કેવી રીતે ઘર ચલાવી શું પરંતુ જેમ તેમ કરીને પણ પોતાનું ગુજરાન ચલાવ્યું પરંતુ ધંધા રોજગાર કઈ રીતે ફરી પાછા શરૂ થશે તે ચિંતા તો સતાવતી જ રહેતી પરંતુ સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત સહાય મળતા હું ચિંતામુક્ત બન્યો છું
પરેશભાઈ વધુમાં જણાવે છે કે, લોકડાઉન હળવું થતાં ધીમે ધીમે હવે ધંધા રોજગાર પણ ખુલી રહ્યા છે પરંતુ જેમ કોઈ પણ વ્યવસાય નવો જ શરૂ કરતા હોય બિલકુલ તેવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી પુનઃ શરૂઆતમાં આ સહાય ખૂબ જ મદદરૂપ થઈ રહી છે. રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મળેલી આ લોન બદલ હું સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. આમ, આત્મનિર્ભર સહાય યોજનાએ પરેશભાઈ જેવા કેટલા રોજે રોજનું કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોનું મનોબળ મજબુત કરીને તેમને ફરી પાછા પગભર બનાવ્યા છે.