ભારતમાં કોમ્યુનિટી સ્પ્રેડથી કોરોનાની સ્થિતિ ગંભીર
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને દેશમાં દરરોજ કોરોનાના ૩૪,૦૦૦ કરતાં પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૦,૩૮,૭૧૫ના આંકડાને પાર કરી ગઈ છે. ઈન્ડિયન મેડિકલ અસોસિએશન ના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે અને સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આઈએમએ હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો. વી.કે. મોંગાના કહેવા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે
જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. ડો. મોંગાના કહેવા પ્રમાણે ભારતમાં દરરોજ ૩૦,૦૦૦ કરતા પણ વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વાસ્તવમાં તે દેશ માટે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે જે ખરાબ સંકેત છે અને તેમાં કોમ્યુનિટી સ્પ્રેડ દેખાઈ રહ્યું છે. ડો. મોંગાનું આ નિવેદન ખૂબ જ મહત્વનું છે કારણ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતત એમ જ કહી રહ્યું છે કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી સ્પ્રેડિંગ શરૂ નથી થયું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપટર્સે પણ પડકારેલો છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ૧૦,૩૮,૭૧૬ લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે અને તે પૈકીના ૨૬,૨૭૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત તેમાંથી ૬,૫૩,૭૫૧ લોકો સારવારના કારણે સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ડો. મોંગાએ જણાવ્યું કે હવે કોરોના વાયરસ ગામડાઓ અને નાના નાના નગરોમાં ફેલાઈ રહ્યો છે જેથી સ્થિતિને નિયંત્રણમાં લેવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે દિલ્હીમાં તો કોરોનાને કંટ્રોલમાં કરી લેવાયો પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા અને મધ્ય પ્રદેશના દૂરસ્થ ક્ષેત્રોનું શું થશે? ડો. મોંગાએ જણાવ્યું કે, કોરોના વાયરસ એક એવી બીમારી છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.
તેનો સામનો કરવા માટે રાજ્ય સરકારોએ સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ અને કેન્દ્ર સરકારોની મદદ લેવી જોઈએ. વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યારસુધી ૧ કરોડ ૪૪ લાખ ૨૨ હજાર ૪૧૭ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી ૮૬ લાખ ૧૧ હજાર ૬૫૭ સ્વસ્થ થયા છે જ્યારે ૬ લાખ ૪ હજાર ૮૨૩ના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શનિવારે વિશ્વમાં રેકોર્ડ ૨ લાખ ૫૯ હજાર ૮૪૮ કેસ નોંધ્યા હતા. આ પહેલા ૫ જુલાઇએ ૨૪ કલાક અંદર ૨ લાખ ૧૨ હજાર ૩૨૬ કેસ સામે આવ્યા હતા.
ડબ્લ્યુએચઓ અનુસાર અમેરિકા સિવાય બ્રાઝીલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રાઝીલ સહિત ઘણા લેટિન અમેરિકન દેશ સંક્રમણથી લડી રહ્યા છે. બ્રાઝીલમાં હવે કેસ વધવાથી હોસ્પિટલની અછત વરતાઇ રહી છે.
ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૯ લોકોના મોત થયા છે. આ પહેલા લગભગ ૩ મહિના અગાઉ ૧૮૪ એપ્રિલે આટલા મોત થયા હતા. અહીં રેકોર્ડ ૧૯૦૬ કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યારે ૨૭ હજાર ૬૧૬ કેસ છે. ૫૮૯ દર્દી હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી ૨૧૭ ગંભીર છે. અહીં ૨૧ હજાર ૩૪૮ લોકો સ્વસ્થ થયા છે.
લોકોએ તેલ અવીવમાં વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોને હટાવવા માટે પોલીસને વોટર કેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. લોકોએ નેતન્યાહૂ પર મહામારીથી લડવામાં અસફળ રહેવાના તેમજ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
બાંગ્લાદેશમાં શનિવારે ૨ હજાર ૭૦૯ કેસ સામે આવ્યા હતા. હવે અહીં સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૨ હજાર ૬૬ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ હજાર ૯૨૩ લોકોની ટેસ્ટ કરવામા આવી છે. ૨ જુલાઇએ અહીં સૌથી વધુ ૪ હજાર ૨૦૯ કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યારસુધી ૨ હજાર ૫૮૧ મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહામારી ખતમ થાય ત્યાં સુધી દરેક રેલી સ્થગિત કરી નાખી છે. તેમણે શનિવારે કહ્યું કે વેક્સિન તૈયાર કરવા માટે સારી કામગીરી થઇ રહી છે.
પરંતુ જ્યાં સુધી સમસ્યા પૂરી ન થાય, મોટી રેલીઓ કરવી શક્ય નથી. તેની જગ્યાએ ટેલિફોનના માધ્યમથી લોકો સાથે વાત કરીશ.
મેક્સિકોમાં ૭ હજાર ૬૦૦ નવા કેસ નોંધાયા હતા અને ૫૭૮ લોકોના મોત થયા હતા. અત્યારસુધી અહીં ૩ લાખ ૩૮ હજાર ૯૧૩ કેસ નોંધાયા છે અને ૩૮ હજાર ૮૮૮ લોકોના મોત થયા છે. અહીં જૂનથી લોકડાઉન હટાવવાની જાહેરાત કરવામા આવી હતી. જોકે કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને હજુ લોકડાઉનમાં છૂટ આપવામા આવી નથી. મેક્સિકોએ અમેરિકાથી જોડાયેલી બોર્ડર પરથી લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. લોકો માત્ર જરૂરી કામ માટે જ અમેરિકાથી મેક્સિકો આવી શકશે.
જાપાનમાં શનિવારે ૬૬૪ નવા કેસ નોંધાયા હતા. તેમાંથી ૨૯૦ કેસ રાજધાની ટોક્યોમાં સામે આવ્યા હતા. લગાતાર ત્રીજા દિવસે ટોક્યોમાં ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા અમુક અઠવાડિયાથી કેસની સંખ્યા વધી છે. ટોક્યોમાં કુલ ૯ હજાર ૨૨૩ કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા ૨૫ હજાર ૩૩૪ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નવા નિયમોની જાહેરાત કરી છે. મેલબોર્ન અને મિશેલશાયરમાં ઘરેથી નિકળતા પહેલા માસ્ક પહેરવું જરૂરી છે. આવુ ન કરનારા લોકો પર ૨૦૦ ડોલર (લગભગ ૧૫ હજાર રૂપિયા)નો દંડ લગાવવામા આવશે. નવા નિયમો બુધવાર રાતથી લાગૂ થશે