સામાન્ય રીતે દિવસમાં એક થી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએઃ ડાૅ.અનિષા ચોકસી
અમદાવાદ,: માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો માણસનું મૃત્યુ થવાની પણ શક્યતા રહેલી છે. શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાઈ રહે તેની પૃષ્ટિ કરવી તે અત્યંત જરૂરી છે. કોરોનાની ગંભીરતા શરીરમાં ઘટતા ઓક્સિજનના પ્રમાણ સાથે વધી શકે છે તેવું તબીબી નિષ્ણાતોનું માનવું છે. ઘણા તબીબી નિષ્ણાતોએ ઓક્સિજનના પ્રમાણની સમયાંતરે ચકાસણી કરવા માટે સલાહ આપી છે. આ સંજોગોમાં એસ. પી. ઓ. ૨(સેચ્યુરેશન ઑફ પેરીફેરલ ઓક્સિજન) એટલે કે ડિજીટલ પલ્સ ઓક્સિમીટર દરેક ઘરમાં રાખવું હિતાવહ છે.
આ મુખ્ય કાર્ય લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે તે દર્શાવવાનું છે. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિમાં ૯૭ થી ૯૮ ટકા ઓક્સિજનનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ દરેક વ્યક્તિમાં ઓક્સિજનના પ્રમાણમાં વઘ-ઘટ થતી જોવા મળે છે. ધુમ્રપાન, હ્રદય, કિડની અને ફેફસાં સાથે સંકળાયેલા રોગો ઘરાવતા દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું પણ હોઈ શકે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડાૅ. અનિષા ચોક્સી જણાવે છે કે, કોવિડ૧૯ની મુખ્ય તકલીફ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવા સાથે સંકળાયેલી છે. આવી પરિસ્થિતિઓમાં સમયાંતરે માપન કરવું અતિઆવશ્યક છે. માપન દ્વારા મળતું ઓક્સિજનનું પરિણામ ગંભીરતા નક્કી કરે છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે, માઈલ્ડ અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઈસોલેશન રાખવામાં આવે છે. પલ્સ ઓક્સિમીટર તમારી પાસે હોય તો તેના થકી ઓક્સિજન સેચ્યુરેશન માપી શકો છો. સામાન્ય રીતે દિવસમાં એક-બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ જો તેનું પ્રમાણ ઓછું થાય તો તે ખતરાનું એલાર્મ દર્શાવે છે. જે વધારે માત્રામાં ઘટી જાય તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે જ આવી ગંભીરતા ધરાવતા દર્દીઓને હોસ્પિટલાઈઝ કરવામાં આવે તો જલ્દી સારવાર મળવાથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ધન્વંતરી રથમાં પણ પલ્સ ઓક્સિમીટર મશીનની વ્યવસ્થા હોય છે. જો કોઈ વ્યક્તિને જરૂર જણાય તો તેનો પણ ઉપયોગ કરવો જોઈએ.