ક્રાઈમબ્રાંચે ગાંજા જથ્થા સાથે બે શખ્સોને નારોલથી ઝડપી પાડ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચે શહેરમાં યુવાધનને બગાડી રહેલા નશીલા દ્રવ્યોના સોદાગરો સામે લાલ આંખ કરી હોય તેમ લાગે છે રવિવારે મોડી રાત્રે શાહઆલમ વિસ્તારમાંથી દંપતી સહીત ચાર શખ્સોને ૩૪ લાખના એમડી ડ્રગ્સ અને સાડા ચાર લાખથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા. બાદમાં રવિવારે બપોરે પણ ક્રાઈમબ્રાંચે આવું જ એક સફળ ઓપરેશન કરીને સુરતથી અમદાવાદ શહેરમાં ઘુસાડવામાં આવી રહેલા ગાંજાનો મોટો જથ્થો યુવાધન સુધી પહોંચે એ પહેલા જ ઝડપી લીધો છે.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ જે.એન. ચાવડાને શહેરના બે ઈસમો ગાંજાે લાવતા હોવાની બાતમી મળતા રવિવારે બપોેર તે પોતાની ટીમ સાથે નારોલ- લાંભા રોડ ઉપર સાદા કપડામાં પોતાની ટીમ સાથે વોચમાં ગોઠવાયા હતા બપોરે સાડા ચાર વાગ્યાના સુમારે બાતમી મુજબની રીક્ષા લાંભા તરફથી આવતા જ તેને કોર્ડન કરીને રોકી દેવાઈ હતી અને નજીમાં લઈ જઈ અંદર બેઠેલા શખ્સોના નામ પુછતા ચાલક શબ્બીર હુસેન અન્સારી (ઉ.વ.૩૯) રહે. વોરાના રોઝા ગોમતીપુર જયારે મુસાફર તરીકે બેઠેલો શખ્સ આફતાબ તાહીરઅલી અન્સારી (ઉ.૩ર) રહે. ચારતોડા કબ્રસ્તાન શીતલ સિનેમા પાછળ, ગોમતીપુર હોવાનું બહાર આવ્યું હતું આ બંનેની અટક કરીને રીક્ષાની તપાસ કરતા ડ્રાઈવર તથા મુસાફરની સીટ નીચેથી એન્જીનમાંથી એમ વિવિધ જગ્યાએ સંતાડેલા પંદર પેકેટ મળી આવ્યા હતા બંને શખ્સો સહીત રીક્ષાને ક્રાઈમબ્રાંચની ઓફીસે લાવી તપાસ કરતા કુલ સાડા નવ લાખ રૂપિયાની કિંમતનો ૩ર કિલો ગાંજાે હોવાનું જાણવા મળ્યું હતું.
આ બંને શખ્સોની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે ઉપરાંત શબ્બીર તથા આફતાબ બંને સુરત શહેરમાં રહેતા મુકેશ નામના શખ્સ પાસેથી છુટક વેચવા માટે લઈ આવ્યા હોવાનું કબુલ્યું છે. ક્રાઈમબ્રાંચે સુરત પોલીસને જાણ કરીને મુકેશને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા નશીલા દ્રવ્યોનું કનેકશન અનેક વખત સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુલી ચુકયુ છે.