૨૫ લાખ રૂપિયાની ચોરીમાં સંજય બજરંગ ઝડપાઈ ગયો
આરોપી અલગ અલગ વિસ્તારમાં ફરી આંગડિયા પેઢીથી રોકડ રકમ લઈને નિકળતા કર્મચારીને ટાર્ગેટ કરતો હતો
અમદાવાદ, અમદાવાદમાંથી ફ્લાઈટ મારફતે દિલ્હી જઈ ડેકીમાંથી રૂપિયા ૨૫ લાખની ચોરી કરતી છારા ગેંગના રીઢા સાગરીતને આખરે ક્રાઈમ બ્રાંચે કુબેરનગરથી ઝડપી પાડ્યો હતો. આરોપી સંજય મહેશ બજરંગ પાસેથી રોકડા ૩,૦૦,૦૦૦ મળી આવ્યા હતા.
ક્રાઈમ બ્રાંચે આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, તે ૫મી જુલાઈના દિવસે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ મારફતે દિલ્હી ગયેલ અને ૧૦મી જુલાઈના દિવસે સાંજના સમયે શાસ્ત્રીનગર મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે પસાર થઈ રહેલ એક સ્કુટી ચાલકને એક્સીડન્ટ કરેલ છે
તેમ કહી ઉભો રાખી તેની સાથે બોલાચાલી કરી અન્ય ઈસમે તેની સ્કુટીની ડેકીમાં રાખેલ રોકડ રૂપિયા ૨૫ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જે બાબતે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીની ગુના કરવાની પદ્ધતિ એ છે કે આરોપી સાગરીતો સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી આંગડિયા પેઢીમાંથી રોકડ રકમ લઈ નિકળતા માણસોને પીછો કરી રોકડ રકમ લઈ નિકળેલ માણસના વાહન સાથે પોતાનું વાહન અથડાવી એક્સીડન્ટ કરેલ છે તેમ કહી તેની સાથે બોલાચાલી કરી સાગરીતો મારફતે તે વાહનમાંથી રોકડ રકમની ચોરી કરતો હતો અને પાર્ક કરેલ ગાડીના કાચ તોડી કિંમતી સામાન ચોરી કરીને ફરાર થઈ જતો હતો.
આરોપીનું અત્યાર સુધીમાં નવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે જેમાં નવરંગપુરા, બાપુનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ, સરદારનગર, સોલા હાઈકોર્ટ ગુજરાત યુનિવર્સિટી, મુંબઈ અને જુનાગઢનો સમાવેશ થાય છે. આરોપીએ બીજે ક્યાં ક્યાં ગુનાઓને અજામ આપ્યો છે તે તો વધુ પુછપરછ કર્યા બાદ ખુલશે. આરોપી દિલ્હી જવા માટે ફ્લાઇટનો ઉપયોગ કરતો હતો. આરોપીનો એક સાગરીત હજુ પણ ફરાર છે. આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.