ગેસની સબસીડી બંધ કરવામાં આવતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર
અમદાવાદ: કોરોનાની મહામારીમાં સામાન્ય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે. ઉપરથી મોંઘવારી ફાટી નીકળતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે રાંધણગેસની સબસીડી બંધ કરવા મામલે કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢી હતી.
ભાજપ સરકારની જન વિરોધી નિતી પર કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી સરકારને આડે હાથે લેતાં જણાવ્યું કે, મોંઘવારી, કાળાબજાર, સંગ્રહખોરી રોકવામાં ભાજપ સરકાર સદંતરે નિષ્ફળ નીવડી છે. ગરીબ અને મધ્યમવર્ગના મતોથી ચૂંટાયેલી સરકાર તેઓને જ ભૂલી ગઈ છે.
સરકારમાં આવ્યા બાદ ભાજપે ગરીબ અને મધ્યમવર્ગ પર મોંઘવારી થોપી દેતા જનતાનો મરો થઈ રહ્યો છે. જાે કે, કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી સરકારે ગેસની સબસીડી બંધ કરી દીધી છે, જે ખોટું છે. ગુજરાતના ૯૩ લાખ પરિવારોની કોરોનાકાળમાં મુશ્કેલી વધારી દેનાર સરકારની નીતિરિતી ખુબ જ ગંભીર બાબત છે.