અમદાવાદમાં બુટલેગરો સામ્રાજય સ્થાપવા સક્રિય
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે.
એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મચ્છુ કરશન ભીમાણી (રહે. સીંધી કોલોની, સરદારનગર)એ ફરીયાદ નોંધાવી હતી કે થોડા દિવસો અગાઉ તે પોતાના ઘરે હતો ત્યારે બે અલગ નંબર પરથી તેને ફોન આવ્યા હતા અને પોતે કમલ સાબરમતી બોલતા હોવાનું કહીને તું રાજુ ગેન્ડીનો માલ કેમ વેચે છે ?
તુ મને મળ નહી તો હું તને ખોટા કેસોમાં ફસાવી દઈશ અને જીવવા નહી દઉં તેવી ધમકીઓ આપી હતી બાદમાં અવારનવાર કમલ સનીને ફોન કરી ગાળાગાળી કરી ધમકીઓ આપતા ડરી ગયેલા સનીએ છેવટે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર કમલ સાબરમતી તથા રાજુ ગેન્ડી બંને મોટા બુટલેગરો છે અને ફરીયાદ કરનાર સની પણ દારૂના ધંધા સાથે જ સંકળાયેલો છે અગાઉ પણ દારૂના ધંધાને લઈને બબાલો થયેલી છે.