સેટેલાઈટમાં દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કરી પોલીસે આંતરી

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે મોડી રાત્રે પુરઝડપે એક કાર પસાર થતી હતી ત્યારે પોલીસે તેને ઉભી રાખવાનો આદેશ આપ્યો હતો પરંતુ ચાલકે પુરઝડપે ગાડી ભગાડી દેતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક વાયરલેસ દ્વારા મેસેજ મોકલી સ્થળ પર હાજર પીસીઆર વાને તેનો ફિલ્મીઢબે પીછો કરી આંતરી કરી હતી અને ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીમાં તપાસ કરતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે દેશી દારૂની ખેપ મારવા નીકળેલા ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોકમાં કેટલાક નિયમો અમલમાં મુકેલા છે જેમાં ખાસ કરીને રાત્રિ કફર્યુ તથા નિયત સમયે દુકાનો અને બજારો બંધ કરાવી દેવાનો આદેશ આપ્યો છે આ કામગીરી માટે પોલીસ તંત્ર સક્રિય બનેલુ છે શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે અને કફર્યુના નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે
શહેરના મોટાભાગના તમામ ચાર રસ્તાઓ પર પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે અને પસાર થતા તમામ લોકોની તપાસ કરવામાં આીવ રહી છે આ દરમિયાનમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા શિવરંજની ચાર રસ્તા નજીક મધરાતે પસાર થતી એક કારને સ્થળ પર હાજર પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો
પરંતુ કારના ચાલકે પોલીસને જાેતા જ પુરઝડપે હંકારી મુકી હતી જેના પરિણામે પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને ગાડીના વર્ણન સાથે વાયરલેસ મેસેજ કંટ્રોલ રૂમને કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થળ પર હાજર પીસીઆર વાન મારફતે આ ગાડીનો ફિલ્મીઢબે પીછો કરવામાં આવ્યો હતો શંકાસ્પદ હાલતમાં આ કારનો પીછો કરી તેને આંતરવામાં આવી હતી.
પીસીઆર વાન દ્વારા કારને આંતરવામાં આવતા જ કારમાં ત્રણ યુવકો બેઠેલા જાેવા મળ્યા હતા અને તેમની પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા જેના કારણે આ ત્રણેયની અટકાયત કરી પુછપરછ કરતા એકનું નામ શોએબ શેખ બીજાનું નામ ફૈઝલ મનસુરી અને ત્રીજાનું નામ રાકેશ હોવાનું જાણવા મળ્યુ હતું ત્યારબાદ પોલીસે આ કારની તપાસ કરતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે કે આ ત્રણેય શખ્સો દેશી દારૂની ખેપ મારવા નીકળ્યા હતા સેટેલાઈટ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.