ડિવોર્સ બાદ મળેલા રૂપિયા- દાગીના પિતા-ભાઈએ લઈ લેતા મહીલાએ છેતરપીંડીની ફરિયાદ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: સરદારનગર ખાતે રહેતી મહીલાના લગ્ન બાદ પતિ સાથે ખટરાગ થતાં તેણે છુટાછેડા લીધા હતા જેમાં તેને પોણા સાત લાખ રૂપિયા રોકડ તથા દાગીના આપવામાં આવ્યા હતા. બાદમાં પિતાના ઘરે રહેતી આ મહીલાએ પિતા- ભાઈ પર ભરોસો મુકીને તેમને બધી જ રોકડ દાગીના આપી દીધા હતા. જાેકે મહીલાએ પોતાની મિલ્કત પરત માંગતા બંનેએ તેને ઢોરમાર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મુકી હતી.
પુજાબેન સીરવાણી (કુબેરનગર)ના લગ્ન ર૦૧૪માં હરેશભાઈ હરીયાણી (મહારાષ્ટ્ર) સાથે થયા હતા પરંતુ થોડા સમયમાં જ બંને વચ્ચે અણબનાવ થતાં પુજાબેને એક જ વર્ષમાં છુટાછેડા લઈ લીધા હતા બાદમાં તે પિતાના ઘરે રહેતા હતા.
છુટાછેડા બાદ પતિએ તેમને ૬.૭પ લાખ રૂપિયા તથા આઠ તોલાના દાગીના આપ્યા હતા જે પુજાબેનના અશોકભાઈ તથા ભાઈ રવિભાઈએ રૂપિયા ધંધો કરવા માટે તથા દાગીના સાચવીને મુકી દેવાના બહાને લઈ લીધા હતા તેમની પાસેથી રૂપિયા- દાગીના પડાવી લીધા બાદ પુજાબેનની ઈચ્છા ન હોવા છતાં બંને તેમને બીજા લગ્ન કરી લેવા દબાણ કરતાં હતાં.
જાેકે પુજાબેનને શંકા જતાં તેમણે પોતાના રૂપિયા અને દાગીના પરત માંગ્યા હતા પરંતુ બંને ગલ્લાતલ્લા કરતા હતા પુજાબેને વધુ જીદ કરતા બંનેએ તેમની સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો અને પુજાબેન સાથે વારંવાર આવુ વર્તન કરીને શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા જેથી તેમણે પોલીસ ફરીયાદ કરતાં બંનેએ લોકડાઉન ખુલ્યા બાદ રૂપિયા- દાગીના આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ ભાઈ તથા પિતાએ પુજાબેનને રૂપિયા દાગીના ન આપતાં છેવટે પુજાબેને પિતા અશોકભાઈ તથા મોટાભાઈ રવિભાઈ વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.