વેસ્ટઈન્ડીઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું – ‘છેલ્લી ટેસ્ટ જીતવા સજ્જ છીએ’
હૈદરાબાદ: વેસ્ટઈન્ડીઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે જણાવ્યું કે, ટીમ ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઉપરાછાપરી વિકેટ પડતી ગઈ, જે કારણે અમારી ટીમ હારી ગઈ. શારમાદ બ્રુક્સ(૬૨) અને જર્મને બ્લેકવુડ(૫૫)ની શાનદાર બેટિંગ બાદ હોલ્ડરના ઝંઝાવાતી ૩૫ રન ફટકારવા છતા પણ વેસ્ટઈન્ડીઝને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૩ ટેસ્ટની સીરીઝમાં ઈગ્લેન્ડે આ ટેસ્ટ જીતી ૧-૧ની બરાબરી કરી સીરીઝ જીવંત રાખી છે.
મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં હોલ્ડરે જણાવ્યું કે, અમે પરિણામથી નિરાશ છીએ અને અમે દર્શકોને પણ નિરાશ કર્યા છે. ઈંગ્લેન્ડે સારું પ્રદર્શન કર્યું છે, જેથી તેમને જીતનો શ્રેય મળવો જાેઈએ. અમે ૪થા દિવસ સુધી મેચ ખેંચી શકતા હતા, પરંતુ અમે સતત વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડના બોલરો સામે અમારા બેટ્સમેન ટકી શક્યા ન હતા.
૨૮ વર્ષીય હોલ્ડરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ બાબતે પોતાનો બચાવ કર્યો હતો. હોલ્ડરે ડોમનિક સિબ્લે અને બેન સ્ટોક્સના વખાણ કર્યા હતા. તેમને જણાવ્યું કે, આ જીતનો શ્રેય સિબ્લે અને સ્ટોક્સને મળવો જાેઈએ. અમે અમારી કમજાેરી અને હારના પાસા પર પૂરતું ધ્યાન આપી, ત્રીજી ટેસ્ટમાં અમારા ૧૦૦ ટકા આપીશું.