ફુટબોલર મેહતાબ હુસૈન ભાજપમાં સામેલ થયા

કોલકત્તા,જાણીતા ફુટબોલર મેહતાબ હુસૈન પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો છે અને તેમણે દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મેહતાબ (૩૪) દેશની મુખ્ય ક્લબો સાથે રમતો રહ્યો છે, જેમાં ઈસ્ટ બંગાળ અને મોહન બાગાન પણ સામેલ છે. તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે ભાજપનું સભ્ય પદ સોંપ્યું છે.
મિડફીલ્ડરના રૂપમાં રમનાર મેહતાબે રાજનીતિમાં આવ્યા બાદ કહ્યુ કે, તેઓ દેશની સેવા કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ, ‘હું આ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની સેવા કરવા ઈચ્છુ છું, તેથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. મેહતાબનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૯૮૫મા કોલકત્તામાં થયો હતો. તે ૧૦ સીઝન સુધી ઈસ્ટ બંગાળ માટે ફુટબોલ રમ્યો, આ દરમિયાન ટીમ ૩ વખત ફેડરેશન કપની ચેમ્પિયન બની હતી.’ આ સિવાય તે ૨૦૦૫થી લઈને ૨૦૧૫ સુધી ભારતીય ફુટબોલ ટીમનો સભ્ય પણ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી તેણે ૩૧ મેચ રમી અને બે ગોલ કર્યા હતા. ઈન્ડિયન સુપર લીગમાં ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે તેણે કેરલા બ્લાસ્ટર્સ માટે ૩૮ મેચ રમી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧મા પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપે આ માટે તમામ શક્તિ કામે લગાવી દીધી છે. તો હવે આ સ્ટાર ફુટબોલરને સામેલ કરીને ભાજપ તેમની લોકપ્રિયતાનો પણ ફાયદો મેળવવા પ્રયાસ કરશે.