AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં મળશે ટોસિલિઝુમેબ ઈન્જેક્શન
અમદાવાદ: કોવિડ-૧૯ સામેની લડાઇમાં એક પછી એક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે, ત્યારે કોરોના સંક્રમિતોની સારવારમાં જરૂરી એવા ટોસિલિઝુમેબના ઈન્જેક્શનના કાળાબજારને રોકવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન હવે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી પણ મળી શકશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોના સંક્રમિત દર્દીઓને ઉત્તમ તબીબી સારવાર મળી રહે, તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ધી એપેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ અંતર્ગત ૫૦થી વધુ ખાનગી હોસ્પિટલોને પણ હસ્તગત કરી છે. જયાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
આ દર્દીઓની સારવાર દરમિયાન કેટલાંક દર્દીઓને શ્વાસની વધુ તકલીફ, શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું થઇ જતું હોય, ખાસ પ્રકારના લોહીના રિપોર્ટ વધુ ખરાબ હોય તેવી પરિસ્થિતિમાં એવા દર્દીઓને ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે.
હાલમાં કોર્પોરેશન સંચાલિત સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ખાતે ટોસિલિઝુમેબ ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ છે. કોર્પોરેશન માટે અનામત રાખેલ બેડ પર સારવાર મેળવતાં દર્દીઓ માટે વિનામૂલ્યે તેમ જ ખાનગી કોવિડ હોસ્પિટલોના ખાનગી દર્દીઓ માટે રીપ્લેસમેન્ટના ધોરણે ટોસિલિઝુમેબ ઇન્જેકશન સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી મેળવી શકાશે.
આ માટે ખાનગી હોસ્પિટલે દર્દીની જરૂરી વિગતો સાથે સંબંધિત ઝોનમાં ફાળવેલ આસિસ્ટન્ટ પ્રોફેસર મારફતે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર (હેલ્થ)ને વિનંતી પત્ર રજૂ કરવાનો રહેશે. જેના આધારે સેન્ટ્રલ સ્ટોરમાંથી ઇન્જેક્શન ઉપલબ્ધ હશે ત્યાં સુધી કરવામાં આવશે.