બોપલ-ઘુમા નગરપાલિકાની ડમ્પ સાઈટનાં નિકાલ બાયોમાઈનીંગ પ્રોજેક્ટની પધ્ધતિ મુજબ કરાશે
અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં બોપલ-ઘુમા નગરપાલિકા સહિતની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં સફાઈ, સેનીટેશન સહિતની આવશ્યક સેવાઓ પુરી પાડવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશન દ્વારા કરવામાં આવેલ છે.
બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા અગાઉ ૬૦૦૦૦થી વધારે રહેણાંક અને કોમર્શીયલ એકમોમાંથી દૈનિક ધોરણે નિકળતા ૮૧ મે.ટન જેટલા ઘન ક્ચરાને ૧૧ જેટલાં ઓપન બોડીનાં ટ્રેકટરો તેમજ ૦૪ છોટા હાથી વાહનો સહિત કુલ ૩૩ જેટલાં જુદા-જુદા વાહનો દ્વારા એકત્ર કરાવવામાં આવતો હતો.
નગરપાલિકા દ્વારા છેલ્લા ૦૯ વર્ષથી આ રીતે એકત્ર કરવામાં આવેલ ક્ચરો નવા ઇસરોની બાજુમાં, વોર્ડ નં-૦૩ બોપલ પાસેની ૦૬ એકરથી વધારે જેટલી ખુલ્લી જગ્યામાં ડમ્પીંગ કરવાની કામગીરી કરવામાં આવે છે. સદર ડમ્પીંગ સાઈટ ખાતે નગરપાલિકા દ્વારા આશરે ૨.૩૦ લાખ મે.ટન જેટલો ક્ચરો એકત્ર થયેલ છે.
બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારનાં નાગરિકોની સુખાકારી અને આરોગ્યનાં હિત માટે નગરપાલિકા દ્વારા ડમ્પ સાઈટ પર એકત્ર કરવામાં આવેલ આ ક્ચરાને આજરોજ તા.૨૨.૦૭.૨૦૨૦નાં શહેરનાં માન. મેયર બિજલબેન પટેલનાં વરદહસ્તે અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી નિકાલ કરવા માટેની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને હેલ્થ અને સો.વે.મે.કમિટી ચેરમેન પરેશ પટેલ અને અન્ય મહાનુભાવો તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બોપલ-ઘુમા નગરપાલિકાની ડમ્પ સાઈટનાં નિકાલ માટેની આ કામગીરી પિરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પ્રોજેક્ટની પધ્ધતિ મુજબ જ કરવામાં આવનાર છે.