Western Times News

Gujarati News

કોરોના કહેર વચ્ચે ડેન્ગ્યુ – ચિકનગુનિયાના કેસમાં કોઈ જ ઘટાડો નહિ

તાવના મચ્છરો કોરોનાથી ડરીને ભાગી ગયાઃ કોર્પોરેશન નું પાણી શુદ્ધ થયું: નાગરિકોનો કટાક્ષ
તાવ અને ઝાડા ઉલ્ટીના કેસની કોરોનામાં ગણતરી કરી હોવાની શંકા: સુરેન્દ્રબક્ષી 

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ત્રણ મહિનાથી કોરોનાનો કહેર છે. શહેરમાં કોરોનાના ૨૩ હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. જયારે બીજી તરફ મેલેરિયા,ઝેરી મેલેરિયા, ઝાડાઉલટી , કોલેરા જેવા મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં ૩૦૦ થી ૪૦૦ ટકાનો અસામાન્ય ઘટાડો મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયો છે.જયારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મનપા ઘ્વારા પાણી અને મચ્છરજન્ય રોગના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે ગળે ઉતરે તેવા નથી તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા છે.

અમદાવાદમાં દર વરસે મેલેરિયા, ઝાડાઉલટી અને કમળા ના કેસ મોટી સંખ્યામાં બહાર આવે છે. પરંતુ છેલ્લા ચાર મહીનાથી ચાલી રહેલા કોરોના કાળમાં તાવ અને ઝાડાઉલ્ટીના કેસ ઓછા થયા છે. સામાન્ય રીતે દર વરસે માર્ચ થી જૂન મહિનાના સમયગાળા દરમ્યાન ઝાડાઉલ્ટીના ૩૦૦૦ જેટલા કેસ નોંધાય છે. જયારે સાદા મેલેરિયાના ૧૫૦૦થી ૨૦૦૦ અને ઝેરી મેલેરિયાના લગભગ ૫૦ જેટલા કેસ નોંધાય છે.

પરંતુ આ વરસે માર્ચ થી ૨૦ જુલાઈ સુધી ઝાડાઉલ્ટીના માત્ર ૬૪૨ કેસ નોંધાયા છે. જે પૈકી માર્ચ મહિનામાં સૌથી વધુ ૪૨૩ કેસ નોધાયા હતા.કોરોના કહેર શરૂ થયા બાદ ઝાડાઉલ્ટીના કેસ ઘટી ગયા હતા. સામાન્ય રીતે મે અને જૂન મહિનામાં ઝાડાઉલ્ટીના કેસ વધુ હોય છે. ૨૦૧૮ ના મે મહિનામાં ઝાડાઉલ્ટીના ૧૨૫૩ અને જૂનમાં ૧૨૪૦, ૨૦૧૯ માં અનુકમે૧૦૬૨ અને ૧૨૨૬ કેસ બહાર આવ્યા હતા.

જેની સામે ૨૦૨૦ના મે મહિનામાં ૫૬ અને જૂનમાં ૭૪ અને જુલાઈમાં ૪૨ (૨૦ જુલાઈ સુધી) કેસ નોંધાયા હતા. તેવી જ રીતે ૨૦૧૮ ના મે મહિનામાં સાદા મેલેરિયાના ૪૫૫ અને જુનમાં ૪૬૭ તેમજ ૨૦૧૯માં અનુકમે ૩૯૫ અને ૩૮૩ કેસ બહાર આવ્યા હતા.જેની સામે ૨૦૨૦ ના મે માસમાં સાદા મેલેરિયાના ૩૧ અને જુનમાં ૨૯ અને જુલાઈમાં ૨૦ તારીખ સુધી માત્ર ૧૮ કેસ જ કન્ફર્મ થયા છે.

જયારે ૨૦૧૮માં માર્ચ થી જુન સુધી ઝેરી મેલેરિયાના ૪૫ તેમજ ૨૦૧૯માં આ સમયગાળા દરમ્યાન ૩૯ કેસ નોંધાયા હતા. જયારે ૨૦૨૦માં છેલ્લા ચાર મહિના દરમ્યાન ઝેરી મેલેરીયાનો માત્ર એક જ કેસ બહાર આવ્યો છે.માર્ચ મહિના બાદ જુલાઈમાં ઝેરી મેલેરિયાનો કેસ નોંધાયો છે.

૨૦૧૯ની સાલમાં જાન્યુઆરી થી જુલાઈ સુધી ઝાડાઉલ્ટીના ૪૯૨૦, કમળાના ૧૫૬૭, ટાઈફોઈડના ૨૮૦૪, કોલેરાના ૭૮, સાદા મેલેરિયાના ૧૯૮૮, ઝેરી મેલેરિયાના ૬૫, ડેન્ગ્યુના ૨૦૬,તેમજ ચિકનગુનિયાના ૫૦ કેસ નોંધાયા છે.જેની સામે ૨૦૨૦માં જાન્યુઆરી થી ૨૦ જુલાઈ સુધી ઝાડાઉલ્ટીના ૧૫૭૬, કમળાના ૪૫૮, ટાઇફોઇડના ૭૬૭, કોલેરાના શૂન્ય, સાદા મેલેરિયાના ૧૭૫, ઝેરી મેલેરિયાના ૦૮, ડેન્ગ્યુના ૧૯૫ અને ચિકનગુનિયાના ૪૮ કેસ નોંધાયા છે.

આમ, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વરસે પાણીજન્ય રોગચાળામાં ૨૦૦ થી ૪૦૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે સાદા અને ઝેરી મેલેરિયાના કેસમાં પણ અસામાન્ય ઘટાડો થયો છે.જયારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ લગભગ સરખા રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ તમામ રોગચાળાના મહત્તમ કેસ માર્ચ મહિનામાં જાહેર થયા હતા. કોરોના કહેર શરૂ થયા બાદ તેમાં અસામાન્ય ઘટાડો થયો છે. તેથી કોરોનાથી ડરીને મચ્છરો ભાગી ગયા છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશને શુદ્ધ પાણી સપ્લાય કરવાની શરૂઆત કરી છે તેવા કટાક્ષ પણ થઈ રહયા છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ આંકડા અંગે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાવ, કમળો અને ઝાડાઉલ્ટીના જે આંકડા બહાર આવ્યા છે તે ગળે ઉતરે તેમ નથી. એપ્રિલથી જુલાઈ સુધી માં ઝાડાઉલ્ટીના માત્ર ૨૧૯ કેસ નોંધાયા છે.જયારે ૨૦૧૯માં આ સમય દરમ્યાન ઝાડાઉલ્ટીના ૩૯૧૪ નોંધાયા હતા. જયારે માર્ચ મહિનામાં ઝેરી મેલેરિયાનો એકમાત્ર કેસ નોંધાયો હતો.

ત્યારબાદ જુલાઈમાં એક કેસ બહાર આવ્યો છે.તેથી તંત્રએ તાવ અને ઝાડાઉલ્ટીના તમામ દર્દીઓની કોરોનાના પેશન્ટ માં ગણતરી કરી હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના લક્ષણોમાં આ બંનેનો પણ સમાવેશ થાય છે.રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ શાસકોએ આ મામલે તપાસ કરવી જરૂરી બને છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.