“ હ્ય્દય સે” કોવિડ કેર ને માત્ર કમાણી કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો
“હ્ય્દય સે” સાથે એમઓયુ થયા છે પરંતુ દર્દી રીફર કરવાના નથીઃ ડો. દક્ષા મૈત્રક
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના કપરાકાળમાં પણ કેટલાક લોકો “માનવતા” ભુલી ગયા છે તેમજ નાગરીકોની મજબુરી અને લાચારીનો લાભ લેવાનું ચુકતા નથી. કેટલાક કિસ્સામાં આ પ્રકારની પ્રવૃતિ મોટા માથાઓની રહેમનજરે પણ ચાલી રહયા હોવાની વિગતો બહાર આવી છે.
એલિસબ્રીજ વિસ્તારમાં કાર્યરત “હ્ય્દય સે” કોવિડ કેર સેન્ટર આ પ્રકારની ગેરરીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમાં મ્યુનિસિપલ અધિકારીઓએ કોવિડ કેર ના સંચાલકોને દર્દીઓના ભોગે માત્ર કમાણી કરવાની છુટ આપી હોવાની ચોંકાવનારી કબુલાત ઝોનના ડે. હેલ્થ ઓફીસરે કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના ગંભીર લક્ષણના દર્દીઓને સારવાર આપવા માટે ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યા છે જયારે હળવા લક્ષણવાળા દર્દીઓ માટે હોટેલો તેમજ અન્ય સ્થળે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ આ મુદ્દે હોટેલના માલિકો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
જેમાં કવોરન્ટાઈન થયેલ દર્દીના રહેવા, જમવા તથા તબીબી સેવા સહિતના ભાવ નકકી કરવામાં આવ્યા છે. પરંતુ એલિસબ્રીજ વિસ્તારમાં ટાઉન હોલ પાસે ચાલી રહેલા “હ્ય્દય સે” કોવિડ કેર સેન્ટરના સંચાલકો અને મનપાના અધિકારીઓ વચ્ચે અલગ જ એમઓયુ થયા હોય તેમ લાગી રહયુ છે. પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફીસર ડો. દક્ષાબેન મૈત્રકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે “હ્ય્દય સે” કોવિડ કેર સેન્ટર સાથે એમઓયુ થઈ ગયા છે.
પરંતુ તેમાં દર્દીને દાખલ કરવાના નથી તેનો સીધો મતલબ એ થાય છે કે કોવિડ કેર ના સંચાલકોને માત્ર કમાણી કરવા માટે મનપાએ કરાર કર્યા છે તેથી કોવિડ કેરના સંચાલકો તેમની જાહેરાતમાં “મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માન્ય”નો ઉલ્લેખ કરી રહયા છે. અમદાવાદ શહેરમાં આ પ્રકારના એમઓયુ બીજા કોઈ થયા નથી.
ડો. દક્ષાબહેન મૈત્રકે ૧પ દિવસ પહેલા “હ્ય્દય સે” કોવિડ કેર ને પરવાનગી આપવામાં આવી નથી તથા તેને નોટિસ આપીને પેનલ્ટી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મુદ્દે તેમને સવાલ કરતા તેમણે ગોળ-ગોળ જવાબ આપવાની શરૂઆત કરી હતી. “હ્ય્દય સે” સાથે એમઓયુ થઈ ગયા છે
પરંતુ દર્દીને રીફર કરવાના નથી તેથી તેઓ કોઈ દર્દીને પત્ર લખી આપતા નથી “હ્ય્દય સે”ને નોટિસ આપવા, પેનલ્ટી લેવા તથા દર્દીને રીફર કરવા માટે અંતિમ નિર્ણય ઓએલડી મનીષકુમારનો રહે છે તથા તેઓ ઓએસડીની સુચના મુજબ કામ કરી રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફીસરે જણાવેલ વિગત પરથી એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે “હ્ય્દય સે” કોવિડ કેર સેન્ટર મામલે કાંઈક રંધાઈ રહયુ છે. જેને ઉચ્ચકક્ષાએથી છુપાવવા કે ઢાંક પિછોડો કરવા પ્રયાસ થઈ રહયા છે. મ્યુનિ. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ પણ “હ્ય્દય સે”ને પરવાનગી આપવામાં આવી નથી તેમ સ્પષ્ટ જણાવ્યુ હતુ.
તેમ છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. તેથી મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને “કોવિડ સેન્ટર”ના સંચાલકો વચ્ચે મજબુત સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એમ.ઓ.યુ થયા હોય અને દર્દીને તેનો કોઈ જ લાભ ન મળવાનો હોય તો તેવા દર્દીનાના બદલે અન્ય કોઈને ફાયદો થઈ રહયો હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.
અત્રે નોંધનીય છે કે “હ્ય્દય સે” કોવિડ કેરમાં પેશન્ટ દીઠ દસ દિવસ માટે રૂા.૯૦ હજારનું પેકેજ રાખવામાં આવ્યુ છે. જયારે તેની જાહેરાતમાં અ.મ્યુ.કો. દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીઓ પાસેથી કોઈ જ ચાર્જ લેવામાં નહી આવે તેમ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશને એમઓયુ કર્યા હોય તો પછી દર્દીને નિઃશુલ્ક સેવા મળી રહે તે માટે રીફર કરવા જરૂરી છે.
પરંતુ ઝોનના ડે. હેલ્થ ઓફીસરના મંતવ્ય મુજબ હજી સુધી કોઈ દર્દીને રીફર કરવામાં આવ્યા નથી. “હ્ય્દય સે” દ્વારા ખાસ જ્ઞાતિના દર્દીઓને વિનામુલ્યે દાખલ કરવા માટેની જાહેરાત પણ થઈ રહી છે. પરંતુ જાે કોઈ જ્ઞાતિબંધુ આ સેવાનો લાભ લેવા જાય તો તેમની પાસેથી અ.મ્યુ.કો.નો પત્ર માંગવામાં આવે છે. જયારે અ.મ્યુ.કો. દ્વારા આ પ્રકારનો પત્ર લખી આપવામાં આવતો નથી.
ચાંદખેડાના એક વૃધ્ધા પાસેથી પણ ઝોનના ડે. હેલ્થ ઓફીસરનો પત્ર માંગવામાં આવ્યો હતો. તે સમયે ડે. હેલ્થ ઓફીસરે “હ્ય્દય સે”ને
પરવાનગી આપવામાં આવી નથી તથા તેને નોટિસ આપીને પેનલ્ટી લેવાની છે તેવા ઉચ્ચારણ કર્યા હતા. જયારે બુધવારે આ તમામ બાબતના દોષનો ટોપલો ઓએસડી પર ઢોળ્યો હતો.