એક જ દિવસમાં હોમ ક્વોરેન્ટાઈનનો આંકડો ૧૦૦૦૦૦ વધ્યો

Files Photo
અમદાવાદ: ગુજરાતમાં કોરોના હવે દિન પ્રતિદિન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. કોરોનાના કેસ એક દિવસમાં ૧૧૦૦ની સપાટી સર્જવા આગળ વધી રહ્યું છે. ગુરુવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૧૦૭૮ કેસ નોંધાયા છે. તેમજ ૨૮ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૫૨૫૬૩ અને કુલ મૃત્યુઆંક ૨૨૫૭ પર પહોંચ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે, ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં હોમ ક્વોરેન્ટાઈન થનારા લોકોની સંખ્યામાં ૧૦૦૦૦૦નો વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બુધવારે કુલ ૩૩૩૪૯૬ લોકો ક્વોરેન્ટાઈન હતા. જે પૈકી ૩૩૧, ૫૬૯ હોમ ક્વોરેન્ટાઈન હતા. તેમજ ૧૯૨૭ લોકો ફેસિલિટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ ક્વોરેન્ટાઈનની સંખ્યા વઘીને ૪૩૧, ૮૨૩ થઈ ગઈ છે. જે પૈકી ૪૩૦,૦૧૪ હોમ ક્વોરેન્ટાઈન છે. અને ૧૮૦૯ ફેસિલિટી ક્વોરેન્ટાઈન હેઠળ છે. રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૭૧૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
અમદાવાદમાં પણ ધીમે ધીમે ફરીથી કેસ વધી રહ્યા છે પરંતુ સામે ડિસ્ચાર્જ છતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૭ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૮૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં ૨૩ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓ સાજા થયા છે.
આ ઉપરાંત અમદાવાદમાં ચાર અને અમદાવાદ જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી રોજ ૨૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા હતા જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થોડી રાહત મળી છે. સુરતમાં ૧૮૧ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સુરત જિલ્લામાં ૭૫ કેસ નોંધાયા છે. સુરતમાં ૧૪૨ અને સુરત જિલ્લામાં ૬૩ દર્દીઓ સાજા થયા છે. જાેકે, સુરતમાં ૧૦ લોકોના કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા છે અને સુરત જિલ્લામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.