‘પાંચીકા’,એક માત્ર ગુજરાતી ફિલ્મ જેનું સ્ક્રીનીંગ NYIFF માં થશે
મૂળ અમદાવાદના અંકિત કોઠારીની ચૌદ મિનીટની શોર્ટ ફિલ્મ ન્યૂ યોર્કનાં પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ ન્યુ યોર્ક ઈન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ માં સ્ક્રીન થનારી એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે. ‘પાંચીકા’ સાત વર્ષની મિરીની વાર્તા છે જે ભાણું પહોંચાડવા રણ પાર કરી મીઠાના અગર છે ત્યાં જઈ રહી છે. તેની પાછળ સુબા પણ જઈ રહી છે. સુબા અછૂત ગણાતી જાતીની છે અને તેમને એકબીજા સાથે રમવાની છૂટ નથી. આગળ જતાં તેમની દોસ્તી જ વાર્તામાં સમાજનાં એક પછી એક પાંચીકા ઉછાળતી જાય છે.
અંકિત કોઠારીએ આ પહેલાં દિબાકર બેનર્જીને ફિલ્મ ઓય લક્કી લક્કી ઓય, લવ સેક્સ ઔર ધોકા અને શાંઘાઈ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા છે. તેમણે જાણીતી ફિલ્મ તુંબડમાં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અંકિત કોઠારીની ફિલ્મ ‘દાસ્તાન-એ-આવારગી’ સ્ક્રીન રાઈટર્સ લેબમાં સારિયેવો ફિલ્મ ફેસ્ટિવલ બોસ્નિયામાં અને ફિલ્મ બાઝાર કો-પ્રોડક્શન માર્કેટમાં પણ સિલેક્ટ થઈ હતી. તેઓ આ ફિલ્મ
ગુજરાતીમાં બનાવવાનું વિચારી રહ્યા છે.
પાંચિકા ફિલ્મ ગુજરાતમાં ખારાઘોડામાં શૂટ થઈ છે. મીઠાનાં અગરોની વચ્ચે બાવીસ દિવસ આ ફિલ્મનું કામ ચાલ્યું અને ત્યારે ૪૮ ડિગ્રીના ધોમધખતા તાપમાં કામ પાર પડાયું હતું. અંકિત કોઠારી સાથે સિનેમેટોગ્રાફર કુલદીપ મામણિયાએ બંન્ને નાની એક્ટર્સ સાથે સારામાં સારી પેઠે કામ થઈ શકે તેની તકેદારી રાખી હતી.
આ રોલ્સ માટે ૩૦૦ છોકરીઓનાં ઑડિશન થયા હતા અને ફાઈનલ થયેલી બંન્ને છોકરીઓ અગરિયા કોમની જ છે. ફિલ્મમાં સાઉન્ડ ડિઝાઈન લવ સેક્સ ઔર ધોકા માટે ફિલ્મ ફેર એવોર્ડ મેળવનાર પ્રિતમ દાસે કરી છે. આ વર્ષે એ ફેસ્ટિવલની ડિજીટલ એડિશન માટે મુવી સેઈન્ટ્સ સાથે ટાઈ-અપ કર્યુ છે અને આ વર્ષે રન કલ્યાણી, મુથુન અને પાંચીકા સહિતની અનેક ફિલ્મોનું સ્ક્રિનિંગ થશે. ફેસ્ટિવલ ૨૪ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી ઓપન છે.