અંકલેશ્વરમાં ક્વોરનટાઈન એરિયા ચૌટાબજારમાં શાકમાર્કેટ ભરાતા લોકો ખરીદી કરવા આવતા તંત્ર ઉઘતું ઝડપાયું હતું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૨૦૦ ને પાર કરી જવાની તૈયારીમાં છે.તેવામાં લોકોની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.ચૌટાબજાર વિસ્તારમાં ક્વોરનટાઈન એરિયા જ શાકમાર્કેટ ભરાતાં તંત્ર ઉઘતું ઝડપાયું હતું.
ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર કોરોના વાયરસના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવી છે. શહેર તથા તાલુકામાં અત્યાર સુધીમાં ૧૯૫ કરતાં વધારે દર્દીઓ નોંધાય ચુકયાં છે અને અંકલેશ્વરમાં મૃત્યુદર પણ વધારે છે.આવા વિપરિત સંજોગોમાં લોકો સાવચેતી રાખવાના બદલે ઘોર બેદરકારી દાખવી રહયાં છે.
અંકલેશ્વર શહેર લોકડાઉન બાદ પણ કોરોના વાયરસની ચુંગાલમાંથી મુકત રહયું હતું. પણ છેલ્લા એક મહિનાથી અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી છે.ખાસ કરીને લોકલ ટ્રાન્સમીશન અને બહારગામ થી આવેલાં લોકોના કારણે સંક્રમણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે.અંકલેશ્વરમાં રોજના સરેરાશ ૧૫ જેટલા કેસ સામે આવી રહયાં છે તેમજ રોજના સરેરાશ એક દર્દીનું મોત થઈ રહ્યું છે.
અંકલેશ્વરના ચૌટાબજાર વિસ્તારમાં કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યાં બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ આ વિસ્તારને સીલ કરી દઈ લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો.કન્ટેનમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાયું અને લોકો ખરીદી માટે આવ્યાં ત્યાં સુધી પાલિકા તંત્રને જાણ સુધ્ધા થઈ ન હતી.આખરે આ બાબત ધ્યાન પર આવતાં પાલિકા સત્તાધીશો દોડતા થયાં હતાં અને તાત્કાલિક અસરથી શાક માર્કેટ બંધ કરાવી હતી.