વેપારીના આપઘાત મામલે પોલીસે અંતે ફરિયાદ નોંધી

Files Photo
અમદાવાદ: શહેરના પોશ ગણાતા એવા પ્રહલાદનગર વિસ્તારમાં એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી પોતાના ફ્લેટના ૧૨મા માળેથી કૂદીને આપઘાત કરી લેચા ચકચાર મચી જવા પામી હતી. આનંદનગર પોલીસે આ મામલે ગુરુવારે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી હતી. સુશિલ તિબ્રેવાલ નામના ૬૨ વર્ષના વેપારીને લોકડાઉન લાગુ કરતા વેપારમાં ભારે ખોટ થઈ હતી.
મંગળવારે રાત્રે તેણે ૧૨મા માળેથી ઝંપ લાવીને આપઘાત કરી લીધો. તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ઓમપ્રકાશ પંજાબી નામનો વ્યાજખોર સતત તેને હેરાન કરતો હતો. મૃતકના દીકરા સાકેત દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર મુજબ, સુશિલ આર્થિક તંગીમાં હતા અને વ્યાજના પૈસા પાછા ન આપવા પર પંજાબી તેમને વારંવાર હત્યા કરવાની ધમકીઓ આપતો હતો, જેથી તેઓ ચિંતામાં રહેતા હતા.
સાકેતે કહ્યું કે, તેના પિતાએ પંજાબી પાસેથી ૨૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે ૧ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે તેમ છતાં પંજાબી તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. સાકેતે કહ્યું કે, તે જ્યારે પોતાની બિલ્ડીંગ સફલ પરિવેશમાં કાર પાર્ક કરી રહ્યો હતો, ત્યારે તેણે પોતાના પિતાને ઉપરથી નીચે પડતા પણ જોયા હતા.
આ બાદ સુશિલને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ, ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા હતા. બાદમાં સાકેતે પિતાનો રૂમ તપાસ્યો અને તેમાંથી તેને પાંચ નોટ્સ મળી. જેમાંથી ચાર પરિવાર માટે હતી અને એકમાં વ્યાજખોરના કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આનંદનગર પોલીસે આ મામલે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ સહિત આપઘાત માટે ઉશ્કેરણી અને ગુનાહીત ધાક-ધમકીઓ આપવાની ફરિયોદ નોંધીને તપાસ શરૂ કરી છે.