Western Times News

Gujarati News

સાબરમતી જેલમાં મોબાઈલ અને તમાકુનો જથ્થો ઘૂસાડતો SRP જવાન પકડાયો

Files Photo

ગણતરીનાં દિવસોમાં જ બીજી ઘટના ! જેલ સ્ટાફ જ પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડતા હોવાની શંકા પ્રબળ બની

અમદાવાદ, આશરે એક અઠવાડિયા અગાઉ સાબરમતી જેલનાં સંવેદનશીલ યાર્ડમાંથી એક પોલીસ કર્મી બુટમાં સંતાડેલી તમાકુ તથા ફોન સાથે ઝડપાયો હતો. આ ઘટનાની તપાસ હાલ ચાલુ છે ત્યાં જ એસઆરપીનો જવાન પણ તમાકુની પડીકી અને મોબાઈલ ફોન સાથે શંકાસ્પદ હાલતમાં પકડાતાં ચકચાર મચી છે તથા પ્રતિબંધિત વસ્તુઓ જેલનાં જ કર્મીઓ દ્વારા અંદર પહોંચાડવામાં આવતી હોવાની શંકા પ્રબળ બની છે.

ઘટનાની વિગત એવી છે કે સાબરમતી મધ્યસ્થ જેલની નાઈટ ઝડતીની ટીમ શુક્રવારે રાત્રે પોતાની ફરજ બજાવતાં હતાં. એ વખતે જેલનાં અતિ સંવેદનશીલ ૨૦૦ ખોલી યાર્ડ નં.૨૨માં ડ્યુટી બદલાતાં એસઆરપી ગૃપ-૫ સી કંપની ગોધરાનાં જવાન તેજપાલસિંહ વિજયસિંહ સોલંકી પોતાની ફરજ ઊપર આવ્યા હતા.

ત્યારે નાઈટ ઝડતીનાં સિપાઈ મહેશભાઈ ડામોરે તેજપાલસિંહની તપાસ કરતાં તેમનાં પેન્ટનાં ખિસ્સામાંથી તમાકુની ૧૧ પડીકીઓ મળી આવી હતી. જેથી તેજપાલસિંહની વધુ તપાસ કરતાં તેમણે કમરે સેલોટેપથી ચોંટાડેલો મોબાઈલ પણ મળી આવતાં જેલનો તમામ સ્ટાફ ચોંક્યો હતો. આ અંગે જાણ કરવામાં આવતાં જેલનાં ઊચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. અને મોડી રાત્રે રાણીપ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધીત વસ્તુઓ જેલમાં ઘુસાડવા બદલ ફરીયાદ નોંધવામાં આવી હતી.

ઊલ્લેખનીય છે કે સાબરમતી જેલમાં ખુંકાર ગુનેગારો પોતાની સજા કાપી રહ્યાં છે. જેમાંના કેટલાંક જેલમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યાં છે. અને ગુનાઓને અંજામ આપતાં હોવાનું ક્યારેક બહાર આવે છે. આ સ્થિતિમાં તાજેતરમાં બનાવો બાદ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ જેલનાં કર્મચારીઓ દ્વારા પહોંચાડવામાં આવતી હોવાની શંકા વધી ગઈ છે. જાે સઘન તપાસ કરવામાં આવે તો આમાં સંડોવાયેલા અનેક નામો બહાર આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.