સોનીની નજર ચુકવી બે ગઠીયા ૧.૭૭ લાખના દાગીના લઈ ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ: વેપારીઓની નજર ચુકવીને ચોરી કરતા ગઠીયા હાલમાં શહેરભરમાં સક્રીય થયા છે ગુરૂવારે મેઘાણીનગરમાં સોનીની નજર ચુકવીને શખ્સો આશરે રૂપિયા બે લાખની વસ્તુઓ ચોરી ગયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે પણ આવો જ બનાવ અમરાઈવાડી વિસ્તારમાં બન્યો હતો જેમાં પત્નિ માટે બુટ્ટી ખરીદવી છે તેમ કહીને એક ગઠીયો તેના સાગરીત સાથે દુકાનમાં ઘુસી આવ્યો હતો બાદમાં બંને તેમની નજર ચુકવી રૂા.૧.૭૭ લાખના દાગીના લઈ પલાયન થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમરાઈવાડી પોસ્ટ ઓફીસ સામે રહેતા વેપારી કૌશીકભાઈ શુકલા આઝાદ ચોકમાં એસ.પી જવેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે શુક્રવારે બપોરના સુમારે તે દુકાને એકલા હતા ત્યારે એક વાગ્યાના અરસામાં એક ઈસમે દુકાનમાં આવી ચાંદીની કંઠી તથા વીંટી ખરીદી હતી બાદમાં પત્નિને ગિફટ આપવા બુટ્ટી ખરીદવાનું કહેતા કૌશીકભાઈએ તેમને બુટ્ટીઓ બતાવી હતી
દરમિયાન ઈસમનો સાગરીત પણ દુકાનમાં આવી ગયો હતો બાદમાં તેમણે બુટ્ટી, દોરા, પેન્ડલ સહીત સોનાના વિવિધ દાગીના જાેયા હતા અને વધુ ડિઝાઈન જાેવા માંગી હતી. દરમિયાન પાછળથી આવેલો શખ્સ દુકાનમાંથી બહાર જતો રહયો હતો અને થોડીવારમાં ગઠીયો પણ તેની પાછળ ગયો હતો બંનેના ગયા બાદ કૌશીકભાઈએ તપાસ કરતાં તેમના સાત જાેડી બુટ્ટી, પેન્ડલ, ચેઈન ચાંદી સહીત કુલ ૧ લાખ ૭૭ હજારની કિંમતના દાગીના ગાયબ હતા જેના પગલે તે દુકાનની બહાર દોડતા બંને ઈસમો મોટર સાયકલ પર બેસી ફરાર થઈ ગયા હતા. આ અંગે તેમણે અમરાઈવાડી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. અમરાઈવાડીનો બનાવઃ આગલા દિવસે મેઘાણીનગરમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો