અમદાવાદમાં સુપર સ્પ્રેડરોને શોધવા કોર્પાેરેશનની કવાયત
અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટ લગભગ બંધ કરી દેવાયા હતા જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી સામે ભારે ઉહાપોહ મચતા આખરે તંત્ર સફાળુ જાગ્યુ છે અને ફરી એક વખત શહેરમાં કોરોના ટેસ્ટની કાર્યવાહી વ્યાપક બનાવવામાં આવી છે શુક્રવારથી શહેરના ધાર્મિક અને જાહેર સ્થળો પર નાગરિકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે શનિવારે સવારે કોર્પોરેશનની ટીમે શહેરના સુપ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં સાધુ સંતોનો કોરોના ટેસ્ટ કર્યો હતો. (તસ્વીરઃ- જયેશ મોદી)
જાહેર તથા ધાર્મિક સ્થળોએ કોર્પાેરેશન દ્વારા સતત બીજા દિવસે કોરોનાના ટેસ્ટની કાર્યવાહી
અમદાવાદ: કોરોનાના કહેરને કારણે નાગરિકોના જીવ તાળવે ચોંટી ગયા છે તો વહીવટીતંત્ર કોરોનાને રોકવા એડીચોટીનું જાેર લગાવી રહ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને કોરોના સંક્રમણને વધતું અટકાવવા “એક્શન પ્લાન” ઘડી કાઢ્યો છે. તે પ્રમાણે કામગીરીની શરૂઆત કરી દેવાઈ છે. જાહેર સ્થળો તથા ધાર્મિક સ્થળોએ ફરતા-ફરતા સુપર સ્પ્રેડરોને શોધી કાઢવા અભિયાન તેજ બનાવ્યું છે.
ખાસ કરીને બજારોમાં સુપર સ્પ્રેડરોને શોધી કાઢવા અમદાવાદના શહેરી વિસ્તારમાં આવેલા મોટા-મોટા માર્કેટોમાં વહેપારીઓ અને તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓ સહિતનાં સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ન્યુ ક્લોથ માર્કેટમાં અંદાજે ૬૦ જેટલા પોઝીટીવ કેસ આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ૬૦ વ્યક્તિઓ અન્ય જેટલા લોકોના સંપર્કમાં આપ્યા હતા.
તેમની તપાસ કરીને જરૂર લાગે તો હોમ ક્વોરન્ટાઈન કરાશે. મોટા બજારોની સાથે ધાર્મિક સ્થળોમાં મંદિરો, મસ્જીદો તથા દેરાસરોમાં પણ શ્રધ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રહેલા ૨૨ ધાર્મિક સ્થાનોમાં કોરોના ટેસ્ટ કરાયો હતો. કુલ ૨૮૮ ભક્તો-શ્રધ્ધાળુઓનો કોરોના ટેસ્ટ રાતા તેમાંથી ૬ કેસ પોઝીટીવ આવ્યા હતાં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન પોતાની આ કામગીરી હજુ ચાલુ રાખશે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પ્રવેશની સરકારી બસોના મુસાફરોનું અલગ-અલગ સ્થળે ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. રાણીપ એક્સપ્રેસ હાઈવે તથા ગીતા મંદિર ખાતે કોરોના ટેસ્ટ કરાઈ રહ્યો છે. આવતાં-જતાં મુસાફરોનો ટેટીંગ કરાયા પછી પ્રવેશ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પાેરેશન દ્વારા કોરોના ટેસ્ટ માટે રેપીડ ટેસ્ટની કીટ મંગાવવામાં આવી હતી.
તેનો પૂરતો જથ્થો આવી જતા સુપર સ્પ્રેડરોને શોધવા એએમસીએ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના અધિકારીઓ-કર્મચારીઓની અલગ-અલગ ટીમોએ કામની ફાળવણી કરીને સુપરસ્પ્રેડરોને શોધવા રીતસરની કવાયત શરૂ કરી દીધી છે.
મોટા-મોટા માર્કેટોમાં કે જ્યાં લોકોની અવર-જવર વધારે છે તથા વહેપારીઓ મોટી સંખ્યામાં પાતાની કામગીરી કરી રહ્યાં છે તેવા તમામ માર્કેટોને પોતાની કામગીરી હેઠળ આવરી લેવાશે. એએમસીએ પોતાની કામગીરીની શરૂઆત કરી દીધી છે અને ખૂબ જ ઝડપથી કોટ વિસ્તારમાં આવેલા તમામ બજારોમાં કોરોના ટેસ્ટીંગ પૂર્ણ કરી લેશે.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તથા જુલાઈ-ઓગસ્ટમાં તહેવારોની શરૂઆત થનાર છે. ત્યારે મંદિર-મસ્જીદ તથા દેરાસરોમાં દરેક ધર્મના શ્રદ્ધાળુઓ ઊમટી પડશે. મંદિરોમાં શ્રાવણ મહિનો હોવાથી ભક્તો-શ્રધ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યાં છે. ત્યારે સુપર સ્પ્રેડરોને શોધી કાઢવા કોર્પાેરેશને ધાર્મિક સ્થાનોમાં આવતા શ્રધ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે.
અત્યાર સુધીમાં ૨૨ જેટલાં ધાર્મિક સ્થાનોમાં ૨૮૮ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાંથી ૬ કેસ પોઝીટીવ આવ્યા છે. જે છ શ્રધ્ધાળુઓ પોઝીટીવ આવ્યા છે તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની યાદી પણ મેળવવામાં આવી રહી છે સુપર સ્પ્રેડરોને શોધવા આ કામગીરી યથાવત રખાશે.