ધોળકા તાલુકાના વિવિધ ગામના ખેડૂતોને કપાસના બિયારણનું વિતરણ કરાયું
કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ ખાતે “સ્ટ્રેન્ધનીંગ ઓફ એડેપ્ટીવ રિસર્ચ ઈન ઓલ એગ્રો કલાઈમેટિક ઝોન ઓફ એ.એ.યુ.” યોજના અંતર્ગત પ્રથમ હરોળ નિદર્શન (FLD) ગોઠવવા માટે દરેક ખેડૂતને કપાસની (GADC-2) બિયારણની કીટનું વિતરણ કરવામાં આવે છે.તે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલ અમદાવાદ જિલ્લાના અરણેજ કેન્દ્ર દ્વારા કપાસના આ નવા બિયારણને ધોળકા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા શોધાયેલા બિયારણની ભારે માંગ રહે છે. જેને ધ્યાનમાં લઇને નજીકના ગામોને તેનો લાભ ઘર આંગણે જ મળે તેવા હેતુથી સંશોધન કેન્દ્ર ખાતેથી જ કપાસના આ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધોળકા તાલુકાના ધોળી, વારણા, ગુંદી, કેસરગઢ, કમિયાળા તેમજ જવારજ ગામના ખેડૂતોને કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃ.યુ., અરણેજ ખાતે બોલાવીને કપાસના બિયારણની કીટનું વિતિરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અલગ- અલગ જૂથમાં ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. આ વિતરણ વખતે કેન્દ્રના વડા સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. પી. એચ. ગોધાણી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. સી. જે. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક શ્રી એન. આર. બુંબડિયા, એગ્રી એન્જિનીયર શ્રી એસ. બી. વિંઝુડા અને સંશોધન સહાયક શ્રી આર. કે. પટેલ હાજર રહ્યા હતા.
આ કૃષિ કીટ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રના વડા સહ સંશોધન વૈજ્ઞાનિક, ડો. પી. એચ. ગોધાણી દ્વારા ખેડૂતોનું સ્વાગત કરીને કપાસની (GADC-2)ના પાકની નવી જાતોના ગુણધર્મો, ખાસિયત અને તેની વૈજ્ઞાનિક ઢબે ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શ્રી સી. જે. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ કપાસના પાકમાં જમીન અને ખાતર વ્યવસ્થાપનની માહિતી આપી હતી. શ્રી એન. આર. બુંબડિયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ કપાસના પાકમાં મુખ્ય તત્વો, ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વોનું મહત્વ, અને શ્રી આર. કે. પટેલ, સંશોધન સહાયકે કપાસના સજીવ ખેતી પધ્ધતિ અને નાડેપ કમ્પોસ્ટ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. એગ્રી એન્જિનીયર શ્રી એસ. બી. વિંઝુડા દ્વારા કપાસના પાકમાં પિયત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.